પોલીસ સાથે મગજમારી બાદ અલ્પેશ કથીરીયાની ધરપકડ કરવામાં આવી છે, તેના પર વિવિધ ગુનાઓ અંતર્ગત કલમો લગાવવામાં આવી છે. ત્યારે અલ્પેશ કથિરીયાને છોડી દેવા માટે પાસ દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જો કે વરાછામાં પાટીદારોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે વરાછા પોલીસ સ્ટેશન બહાર હજારો પાટીદારો ઉમટી પડ્યા હતાં અને નારેબાજી કરવામાં આવી હતી. તો પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો
જેમાં પાટીદાર આંદોલનકારીઓ, યુવાનો, કોંગ્રેસના કોર્પોરેટરો સહિતના ટોળેટોળા વરાછા પોલીસ સ્ટેશનની બહાર ઉમટી પડ્યા હતાં. વરાછા પોલીસ સ્ટેશનની બહાર અને ફ્લાઈ ઓવર પર તેના સમર્થકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ત્યારે અલ્પેશ કથિરીયાને કોર્ટમાં રજુ કરવા લઇ જવાયા હતાં, ૨૪ કલાકમાં રિમાન્ડ માટે કોર્ટમાં અલ્પેશને રજુ કરવા પડે તેમજ અલ્પેશે કરેલી જામીન અરજી માટે તેમને પોલીસ કોર્ટમાં લઇ ગઈ હતી. ત્યારે પણ અલ્પેશે પોલીસની બસમાં બેસતા પહેલા સુત્રોચ્ચાર કર્યા હતાં.
અલ્પેશ કથિરીયા પર પોલીસ સાથે મિસબિહેવ, સરકારી મિલકતને નુકસાનનો તેમજ ધાર્મિક માલવિયા સહીત વિરોધ કરી રહેલા પાટીદાર આંદોલનકારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા છે. ત્યારે અલ્પેશ કથિરીયાને સમજાવવા અને છોડવવા વકીલો પણ પહોંચ્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સરકારને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નિખિલ સવાણી દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, જો અલ્પેશ કથિરીયાને ત્રણ વાગ્યા સુધીમાં છોડવામાં નહીં આવે તો રાજ્યમાં સ્થિતિ બગડશે, તેમજ પાસ ઉગ્ર દેખાવો કરશે તેમ જણાવાયું છે. તો અલ્પેશ કથિરીયા દ્વારા લોકઅપમાંથી પણ સતત સુત્રોચ્ચારો કરવામાં આવી રહ્યા છે તો પાટીદાર અનામત આંદોલન સમિતિએ ચિમકી ઉચ્ચારી છે કે અલ્પેશ કથીરીયાને ત્રણ વાગ્યા સુધી છોડવામાં નહીં આવે તો વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે, મારી ઓફિસની નીચે હું મારી ગાડી પાર્ક કરી રહ્યો હતો. ત્યારે મારા બાજુવાળાની ગાડી ડિટેઈન કરાઈ રહી હતી. ત્યારે મેં કહ્યું કે પીળા પટ્ટાની અંદર ગાડી છે તમે તે ગાડી ન ઉઠાવી શકો. તેથી ક્રેઈનની પાછળાન મજૂરો મને ગાળ બોલવા લાગ્યા. ત્યારબાદ માહોલ ગરમાયો હતો અને એસીપી ઈન્ચાર્જ પરમાર અને અલ્પેશ કથિરીયા વચ્ચે બોલાચાલી થઈ હતી. અલ્પેશે આરોપ મુક્યો છે કે, પોલીસ કર્મચારીએ મને લાફો માર્યો છે. આ ઘટના બાદ અલ્પેશ કથીરીયાની અટકાયત કરાઈ હતી.