પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાએ પત્રકાર પરિષદ યોજી પોલીસ સાથેની બબાલ અંગે કેટલાક ખુલાસા કર્યા હતા. કથીરીયાએ કહ્યું કે મારા કરતાં વધારે ગાળો પોલીસવાળા બોલ્યા છે. અમરેલી અને અન્ય કાર્યક્રમો પૂરા કરી સુરત આવ્યો અને ત્યાં વળી પોલીસ દ્વારા ઉપરાછાપરી કેસ કરવામાં આવ્યા. છથી સાત કેસ કરાયા. સરથાણા, ટ્રાફીક, ઉમરા અને વરાછામાં ગેરકાયદે ટોળકી રચવાના કેસ કરાયા છે.
કથીરીયાએ કહ્યું કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ટોળું લઈને ગયો ન હતો. મારી ટુ-વ્હીલર પર ગયો હતો અને મારી ધરપકડ કરાઈ ત્યારે પાટીદાર યુવાનો પર થયેલા કેસો અંગે એક વકીલ તરીકે ગયો હતો. પરંતુ પોલીસ સ્ટેશનમાં યોગ્ય વ્યવહાર કરાયો નહીં. ભાજપવાળા બસોને સળગાવે અને કેસ પાટીદાર યુવાનો પર કરવામાં આવે તો હું પૂછવા ગયો હતો કે યુવાનો પર ખોટા કેસ કેમ કરવામાં આવ્યા.
તેણે કહ્યું કે મારી ગાળ આપતો વીડિયો જાહેર કરવામાં આવ્યો તો સામે પોલીસે આપેલી ગાળોનો વીડિયો પણ જાહેર કરવામાં આવે. મેં જેટલી ગાળો બોલી છે તેના કરતા વધારે ગાળો પોલીસે બોલી છે. સમાજના સંસ્કાર તરીકે હું કોઈ ગાળ નહીં બોલું પણ જ્યારે આમ નાગરિક તરીકેના અધિકાર તરીકે કોઈ આડે આવશે તો જરૂર ગાળો બોલીશ. 2018માં બે દિવસ બાકી છે, 2019માં નહીં બોલવાનો પ્રયાસ કરીશ.
કથીરીયાએ કહ્યું કે ચાર મહિના જેટલો સમય જેલમાં રહ્યો. ચાર મહિનામાં એટલી બધી ગાળો સાંભળી છે કે દેશના સાધુ-સંતોની કથા સાંભળું તો એ ગાળો ભૂલાશે પણ મારી પાસે એટલો સમય નથી. લોકઅપમાં જે વીડિયો રેકોર્ડીંગ કરાયું તો એ કેવી રીતે શક્ય બન્યું. ઝાડૂ મારવાનો વીડિયો વાયરલ થયો તો એ ઝાડૂ હું ફોનને મારી રહ્યો હતો. વીડિયો રેકોર્ડીંગ માટે એફએસએલ કરાવવામાં આવશે. ઉમરામાં ફરીયાદ દાખલ થઈ તો પાંચસો પોલીસ શું કરતી હતી.
કથીરીયાએ કહ્યું કે પોલીસ કમિશનર કચેરીમાં મારા તડીપાર કરવાના કાગળીયા તૈયાર થઈ રહ્યા છે. હું જ્યાં જઈશ ત્યાં આ પોલીસ કમિશનર કે જોઈન્ટ સીપીને છોડીશ નહીં, કાયદા પ્રમાણે તેમની સામે લડત ચલાવીશ. ખાખી વરદી પહેરો છો કે ભાજપ-કોંગ્રેસની વરદી પહેરો છો. શા માટે સાહેબના ઓર્ડરથી ફરીયાદ દાખલ કરો છો.
કથીરીયાએ કહ્યું કે મોટા ક્રિમીનલો સાથે રાખો,સારા ટોયલેય બાથરૂમ ન હોય ત્યાં સારા વિચારો આવે નહીં.જેલમાં અસામાજિક તત્વો કહે છે, ભાજપ પણ અમેન પાસીયા કહે છે પણ જ્યારે પોલીસ કમિશનર પણ આવા શબ્દો વાપરી જ ન શકે. ટપોરી-મવાલી કહેવાનો અધિકાર નથી. પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ ન હતી પણ કમલમની હતી. પ્રાઈવેટ પાર્કીંગમાં ગાડી પાર્ક કરી તો સરકારી ફરજમાં રૂકાવટ કરવાનો કેસ કરાયો. હવે કાઉન્ટર ફરીયાદો કરીશું. અને અમે જોઈશું કે પોલીસ ફરીયાદ લેશે કે કેમ. જો નહીં લે તો અમે દાખલો બેસી જાય તેવી કાર્યવાહી કરીશું. આંદોલનને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
તેણે કહ્યું કે ક્રેઈનના મજૂરથી મારી સાથે ગાળોની શરૂઆત થઈ હતી ત્યાર બાદ કોન્સટેબલો, પીએસઆઈ, પીઆઈ, જોઈન્ટ સીપી અને સીપી સુધી ગાળોનો સિલસિલો ચાલ્યો. પાટીદાર અનામતની માંગ હતી તો પછી મારી ગાડી પાર્ક કરતી વખતે જ આવી બબાલ કેમ થઈ. કેટલાને માર્યા તેના વીડિયો વાયરલ થયા અને કેટલાક એવા પણ છે તેમની સામે કોઈ પગલા લેવાયા. પ્રકાશ માંજરો 200-500 કરોડનો આસામી છે. તેની પાસે આટલા મોટા પ્રમાણમાં રૂપિયા ક્યાંથી આવ્યા. કરપ્શનથી આવે છે. જો પોલીસની વરદી અડકવાનો અધિકાર નથી તો પોલીસને સામાન્ય વ્યક્તિનો કોલર પકડવાનો અધિકાર પણ નથી. જોઈન્ટ સીપીના ત્યાં ષડયંત્ર ઘડાયું હતું અને જોઈન્ટ સીપીની લાઈન બહુ સારી છે. કોઈ અધિકારી સામે આવીને કહે કે હું વ્હાઈટ કોલર છું તો હું એમના પુરાવા આપીશ. ફાર્મ હાઉસમાં રંગરેલીયા નથી મનાવી એવું મીડીયામાં જાહેર કરે તો અમે સામે ચાલીને પુરાવા આપીશું કે તેમણે શું-શું કર્યું છે.
કથીરીયાએ કહ્યું કે હરિકૃષ્ણ પટેલ આવીને કહી દે કે હું સ્વચ્છ છું, આ વરદી પર ડાધ નથી, મારા આટલા કાળમાં કરપ્શન નથી કર્યું, મેં રૂપિયો નથી લીધો, ફાર્મ હાઉસમાં રંગરેલીયા નથી મનાવ્યા, આજ દિન સુધી હોમ મિનિસ્ટર કે સીએમ કે તાનાશાહની સૂચનાથી કામ નથી કર્યું અને હું નિષ્પક્ષ છું તો હું આઠે આઠની કૂંડળી કાઢી દઈશ, કારણ કે એમણે ઘણાની કૂંડળી બનાવી છે. બીજાના ફાર્મ હાઉસ પર બહુ ધ્યાન આપ્યું છે પણ એમના ફાર્મ હાઉસનું ધ્યાન ક્યાંક ચૂકાઈ ગયું છે. આ બધાના પુરાવા આપીશ પણ પહેલા તેઓ પોતે આ બધામાં ચોખ્ખા હોવાનું જાહેર કરે ત્યારે. જ્યાં સુધી એ જાહેર નહીં કરે ત્યાં સુધી એ સ્વચ્છ ચહેરો છે અને રહેશે. 23-23 વર્ષથી દાઉદના સાગરિતનો પકડી શક્યા નથી તે લોકો અમારે ઘરે વારંવાર પકડવા આવે છે.