સુરતના વરાછા રોડ પર આવેલી પાટીદાર અનામત આંદોલનનાં કન્વીનર અલ્પેશ કથીરીયાની ટ્રાફીક પોલીસ સાથે થયેલી બબાલે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું છે. પાટીદાર સમાજે વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરો ધાલ્યો છે. પોલીસે અલ્પેશ કથીરીયાને લોકઅપમાં બંઘ કરી દેતા વાતાવરણ વધારે ડહોળાયું હોવાનું જણાઈ આવી રહ્યું છે.
અલ્પેશ કથીરીયાની અટકાયત થવાની ગણતરીની પળોમાં પાસના સેંકડો કાર્યકરો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પોલીસ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. અલ્પેશ કથીરીયાનો આક્ષેપ છે કે વરાછા રોડ ખાતે આવેલી ઓફીસ પર પીળી લાઈનની અંદર ગાડી પાર્ક કરી હતી ત્યારે ટ્રાફીક પોલીસના ચારથી પાંચ માણસો અને ક્રેઈનવાળા આવ્યા તો તેમને બાઈક યલો પટ્ટીની અંદર હોવાનું જણાવ્યું હતું પરંતુ ટ્રાફીક પીએસઆઈ દ્વારા અલ્પેશ સાથે બોલાચાલી થઈ હતી અને મામલો બિચકી ગયો હતો.
આ ઘટનામાં અલ્પેશનું કહેવું છે કે પીએસઆઈ દ્વારા તેને લાફો મારવામાં આવ્યો અને ગાળો આપી એનકાઉન્ટર કરવાની ધમકી પણ આપવામાં આવી. આ ઘટના બાદ પોલીસે અલ્પેશને પકડી ડબ્બામાં પુરી દઈ વરાછા પોલીસ મથકે લઈ ગઈ હતી.
પાસના કાર્યકરોને અલ્પેશની અટકાયત થઈ હોવાના સમાચાર મળતા ઘાર્મિક માલવિયા સહિ પાસના અનેક કાર્યકરો વરાછા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને અલ્પેશની સામેનો રાયોટીંગનો કેસ પાછો ખેંચવા સહિત મૂક્ત કરવાની માંગ કરી હતી. અલ્પેશે પણ કહ્યું કે પોલીસ કર્મચારીઓ માફી માંગે તો અમે કશું કરીશું નહી, નહિંતર પોલીસ લોકઅપમાં અન્ન-જળનો ત્યાગ કરી આંદોલન શરૂ કરી દેવામાં આવશે. હાલ પોલીસ અને પાસના કાર્યકરો વચ્ચે બબાલ ચાલી જ રહી છે.
પોલીસ લોકઅપમાં કથીરીયાની આંખમાં આવી ગયા હતા અને પોલીસના વર્તનથી ડઘાઈ ગયેલા કથીરીયાએ કહ્યું કે આંસુ આપોઆપ નીકળી ગયા છે. જે પ્રકારે પોલીસનુ વર્તન છે તેને લઈને કથીરીયા ભાવુક બની ગયો હતો.