પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાના જામીન કોર્ટે રદ કર્યા છે. ત્યારે આજે અલ્પેશ કથીરિયાની ધરપકડ થઇ શકે છે. રાજદ્રોહના કેસમાં કથિરીયાના કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં કથિરીયાએ પોલીસ અધિકારીઓ અને પોલીસને અભદ્ર શબ્દો બોલતા પોલીસે કોર્ટમાં અરજી કરી હતી. પોલીસ દ્વારા કથિરીયાના જામીન રદ કરવાની અરજી કરવામાં આવી હતી. મહત્વનું છે કે અલ્પેશે પોલીસ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેની સીડી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
આ મામલે પોલીસ કમિશ્નર સતિષ શર્માએ કહ્યું હતું કે, અલ્પેશે સતત કાયદાનો ભંગ કરતા તેની સામે અરજી કરી હતી અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે માન્ય રાખીશું અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. અલ્પેશ કથીરિયાની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે. પોલીસ સામે અભદ્ર ભાષામાં વાત કરતો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે તે હાઈકોર્ટમાં જઈ શકે છે અને અમે ત્યા પણ અમારો પક્ષ રાખીશું.
આ બાબત પર અલ્પેશના વકીલે કહ્યું હતું કે અમે હાઈકોર્ટમાં આ નિર્ણયને ચેલેન્જ કરીશુ. ઉલ્લેખનિય છે કે અમરોલી પોલીસ મથકે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. થોડા સમય પહેલા અલ્પેશના જામીન મંજૂર કરાતા અલ્પેશને જેલમુક્ત કરાયો હતો. ત્યારે હવે ફરી તેની ધરપકડ થઇ શકે છે.