પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાના રાજદ્રોહ કેસમાં થયેલા જામીન રદ્ કરવા સુરત પોલીસની અરજી પર આજે અલ્પેશ કથીરીયાના વકીલ યશવંત વાળાએ જવાબ રજૂ કર્યો હતો. સાત પાનાનાં જવાબમાં અલ્પેશના વકીલ યશવંત વાળાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અને જણાવ્યું કે શું ગાળ બોલવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગે છે.
આજે સુરતની કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી અને વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન વકીલ યશવંત વાળાએ લેખિતમાં જવાબ રજૂ કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા જામીન રદ્દ કરવાની અરજી પાયાવિહિન અને સત્યથી વેગળી છે. આ અગાઉ જામીનને એપલેટ કોર્ટમાં પડકારવામાં આવ્યા નથી. સુરત પોલીસે કહેવાતા બનાવની શરૂઆત જ ગાળા-ગાળીથી કરી હતી અને તે લેખિતમાં લખી શકાય તે પ્રકારના સ્તરની કરેલી હોય ઉલ્ટા ચોર કોતવાલને દંડે તેવા પ્રકારની હરકતો પોલીસ અધિકારીઓ, કર્મીઓ અને તેમના મળતીયાઓ દ્વારા કરવામાં આવી છે. કથીરીયાને ટારગેટ કરવા કારસો રચ્યો હોય તેવું પોલીસની થિયરી તથા હાલની અરજીનાં કરેલા કથનો જોતાં જણાય છે. પોલીસ મેન્યુઅલ મુજબ કામ કરવામાં આવતું નથી. પોલીસનું મનોબળ તોડવાનું કામ ખુદ પોલીસે જ કર્યું છે.
જવાબમાં જણાવાયું છે કે શું અપશબ્દ, ગાળો બોલવાથી કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે તેમ લાગતું હોય તો પોલીસે બિલકુલ અપશબ્દ, ગાળો બોલવાથી દુર રહેવું જોઈએ. પોલીસને મળેલી બંધારણીય સત્તાનો ઉપયોગ જનતાના લાભ માટે છે નહીં કે જનતાને કચડી નાંખવા માટે. ટ્રાફીક બ્રિગેડના પોલીસ કર્મીઓના મજુરો સાથે થયેલી સામાન્ય બાબતને પોલીસે અકારણ મુદ્દો બનાવી ગલી-મહોલ્લાના ટપોરી જેવા વર્તનની શરૂઆત ખુદ પોલીસે જ કરી હોવાની દલીલ કરવામાં આવી હતી.
કથીરીયાના વકીલ વાળાએ જવાબમાં વધુમા જણાવ્યું કે રાજદ્રોહના કેસમાં જામીનની જે શરતો દર્શાવવામાં આવી છે તે પૈકી કોઈ પણ શરતનો કથીરીયા દ્વારા ઉલ્લંઘન કરવામા આવ્યું નથી. બિનજામીન ગનામાં આરોપીની જામીન અરજી સહેલાઈથી રદ્દ થઈ શકે પરંતુ જામીન આપ્યા પછી તેટલી જ સહેલાઈથી તે રદ્ કરી શકાય નહીં. કેસની ગંભીરતા, આરોપી જમીન મૂક્ત થયા બાદ તેના હાજર રહેવાની સંભાવના, સાક્ષીઓને ફોડી નાંખવાની દહેશત, પુરાવાઓ સાથે છેડછાડ થવાની સંભાવના, મૂળ કેસ સંબંઘે કેસનાં રેકર્ડથી વિરુદ્વ આરોપીનું વર્તન વગેરે મુદ્દાઓ હોય તો પણ કોર્ટ વિવેવકબુદ્વિ અનુસાર જામીન રદ્દ કરવા અંગે નિર્ણીત રહેલી છે.