અમરોલીમાં મનિષા ગરનાળા ઉપર રેલવે ઓવરબ્રિજનો પ્રોજેક્ટ છેવટે પાર પડ્યો છે. બે-ત્રણ નહીં પણ પૂરા છ વર્ષ પછી ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. આ ઓવરબ્રિજ તૈયાર થવાથી લોકોને માટે અમરોલીથી મોટાવરાછા અને મોટાવરાછાથી અબ્રામા થઈને નેશનલ હાઈવે ઉપર પહોંચવુ હોય તો સરળતાથી પહોંચી શકાશે. ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાવાશે.
આ બ્રિજ તૈયાર થવાથી લોકોને તો સુવિધા મળશે જ. જોકે, પાલિકાને પણ મોટી વ્યથામાંથી છૂટકારો મળી શકશે. કેમકે, આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ જે વાલેચા એન્જિનિયરિંગ નામની કંપનીને અપાયો હતો, તે કંપનીની આર્થિક હાલત ડામાડોળ થઈ હતી. એટલે, કામ લટકી પડ્યુ હતું. જોકે, પાલિકાના બ્રિજ વિભાગે કળેવળે કામ કઢાવીને રેલવે ઓવરબ્રિજ તૈયાર કરાવી દીધો છે. તૈયાર થઈ ગયા પછી લાંબા સમય સુધી ધૂળ ખાધા પછી ભાજપ શાસકો ગુરુવારે તેનું લોકાર્પણ કરાવશે.