ગુજરાતમાં દારૂબંધીનું અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે તેવી આલબેલ પોકારતી ગુજરાતની ભાજપ સરકારના ગાલને રાતો કરતી ઘટના સુરતમાં બની છે. સુરતમાં છડેચોક દારુનું વેચાણ થઈ રહ્યું હોવાનો પુરાવો બાઈક અકસ્માતમાં રસ્તા પર વેરાયેલી દારુની બોટલો રૂપે મળી આવ્યો છે.
વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં ગત મોડી રાત્રે શીતલ ચાર રસ્તા નજીક દારૂ સાથે જઈ રહેલો યુવાન અન્ય બાઈક સવાર સાથે અથડાયો હતો. સામ-સામે બાઈક ભટકાતા એક બાઈક સવારની બાઈક પર મૂકેલી દારુની બોટલનો બોક્સ રસ્તા પર વિખરાઈ ગયો હતો અને રસ્તા પર દારુની બોટલ અને દારુ રેલાઈ ગયું હતું. રસ્તા પર દારૂની બોટલો રસ્તા પર પડી જતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. લોકોએ દારૂની બોટલો ઉંચકીને ચાલતી પકડી હતી જ્યારે બાઈક સવાર યુવાન ભાગી ગયો હતો.
અકસ્માતમાં ઈજા પામેલા અન્ય યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી અને બાઈકને પોતાના કબ્જામાં લીધી હતી.