કોવિડ-19 કોરોના સંક્રમણ દરમિયાન સુરત એપીએમસીના સંચાલકો દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના સંકલનને પગલે સુરત એપીએમસી મહત્તમ દિવસો ચાલુ રહેતા લોકડાઉનના 67 દિવસમાં એક લાખ ટન શાકભાજીનું વેચાણ થયુ હતુ. જે સુરતમા કુદરતી આપત્તિઓના સમયગાળામાં સર્વાધિક રહ્યું છે.
સુરત એપીએમસીના ચેરમેન રમણજાની અને વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ જણાવ્યં હતું કે લોકડાઉન દરમિયાન જિલ્લા કલેક્ટર, પાલિકા કમિશ્નર અને પોલીસ કમિશ્નર દ્વારા છૂટછાટ આપવામાં આવતા 67 દિવસના સમયમાં ખેડૂતો 250 કરોડની શાકભાજીનું વેચાણ કરી શક્યા છે. જો રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં સુરતના વહીવટી તંત્રએ લોકડાઉન દરમિયાન રાહતો આપી નહોત તો ખેડૂતોના પાકને કરોડોનું નુકસાન થયુ હોત અને શાકભાજી ફેકી દેવાનો વારો આવ્યો હોત. કોવિડ-19 પહેલા સુરત એપીએમસીમા 1700થી 2000 ટન શાકભાજીની આવક રહેતી હતી. જે કોરોના સંક્રમણ દરમિયાન 1300થી 1500 ટન થઇ હતી. લોકડાઉનમાં સુરત શહેર અને જિલ્લાની 74 લાખની પ્રજાને નિયમિત શાકભાજીનો પુરવઠો મળતા બીજા શહેરોની જેમ શાકભાજીની અછતની બૂમો પડી નહતી.
લોકડાઉન દરમિયાન સુરત એપીએમસીમાં સુરત અને તાપી જિલ્લાના 15 હજાર ખેડૂતો થી લઈને 35,000 નાના-મોટા વેપારીઓની સામાન્ય દિવસોમાં અવરજવર રહેતી હતી. જોકે, તેની સામે લોકડાઉનમાં માત્ર 40 ટકા ભીડ રહી છે. સુરત એપીએમસીમાં દિલ્હી, મહારાષ્ટ્ર, સિમલા, આંધ્ર, પંજાબ વગેરે જગ્યાએથી બટાકા, કાંદા, ભીંડા, વટાણા, ટામેટા, દૂધી, લસણ સહિત કેરી મળીને 150થી વધુ શાક અને ફળ આવે છે. સામાન્ય દિવસમાં પ્રતિ દિન 2500-3000 ટન આવતાં શાકની સામે 1300-1500 ટન આવક રહી છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકશાન થતાં અટક્યું છે.
કોરોનાની સંક્રમણ નહીં ફેલાય તે માટે રાજય સરકારે અમદાવાદ, વડોદરા સહિતની એપીએમસી લાંબો સમય માટે બંધ રખાવી હતી. રાજ્યમાં સુરત એપીએમસી એકમાત્ર માર્કેટ યાર્ડ હતું જે લોકડાઉનના 73માંથી 67 દિવસ ચાલુ રહી હતી. માત્ર 6 દિવસ માટે બે તબક્કે માર્કેટ યાર્ડ બંધ રહ્યું હતું.
સુરત એપીએમસી લોકડાઉન દરમિયાન 67 દિવસ ચાલુ રહેતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 35 હજાર લોકોને કપરા સમયમાં રોજગારી મળી હતી. શાકભાજીના વેચાણ થકી 2000 વેપારીઓને 2000 મજૂરોને 3000 ડ્રાઇવર અને ક્લિનરને 4000 ટેમ્પોચાલક, પાંચસો ખેડૂત અને 25000 છૂટક ફેરિયાઓને રોજગારી મળી હતી. એ રીતે કુલ 35000 લોકોને રોજગારી મળી હતી.