નોકરી પરથી પરત ઘરે જઇ રહેલી સરથાણાની પરિણીતાને રસ્તામાં આંતરી તારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં, જો મારી સાથે લગ્ન નહીં કરે તો તારા પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપનાર સ્કુલ ફ્રેન્ડની વરાછા પોલીસે ધરપકડ કરી છે.
સરથાણા વિસ્તારમાં રહેતી અને હોઝીયરી શોપમાં નોકરી કરતી પરિણીતા સાંજના 7-00 ક.ના અરસામાં ઘરે જઇ રહી હતી ત્યારે વરાછા મેઇન રોડ પર અરિહંત જવેલર્સ પાસે સ્કુલ ફ્રેન્ડ વિવેક કાંતિભાઇ ચોપડા (ઉ.વ.24 રહે.ગઢપુર ટાઉનશીપ, પાસોદરા, મૂળ રહે. તાજપર ગામ, તા.જિ.બોટાદ)એ અટકાવી હતી. જાહેર રસ્તા પર પરિણીતાનો હાથ પકડી તું મારી સાથે લગ્ન કર, તું તારા પતિને છુટાછેડા આપી દે તેમ કહી શારિરીક અડપલા કર્યા હતા. સ્કુલ ફ્રેન્ડની જાહેરમાં અશ્લીલ હરકતને પગલે પોતે પરિણીત હોવાનું કહ્યું હતું અને બીજી વખત આવી હરકત નહિ કરવા વિવેકને કહ્યું હતું. જોકે, આ અરસામાં પરિણીતાનો પતિ બાઇક પર આવતા બંને જણા ઘરે ચાલ્યા ગયા હતા.
પરિણીતાએ પોતાના સ્કુલ ફ્રેન્ડની હરકતની જાણ પતિને કરતા તેણે વિવેકને ઠપકો આપ્યો હતો. અને તેના માતા-પિતાને પણ વિવેકની હરકતની જાણ કરી હતી. જો કે ત્યાર બાદ વિવેકે સ્કુલના ફ્રેન્ડ સર્કલમાં પરિણીતાના ચારિત્ર અંગે વાતો કરવાનું શરૃ કર્યુ હતું. જેની જાણ પરિણીતાને થતા છેવટે વિવેકની અશ્લીલ હરકતો બદલ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શનિવારે રાત્રે વરાછા પોલીસે વિવેકની ધરપકડ કરી છે.