જેમ-જેમ 31 ડિસેમ્બર નજીક આવે છે તેમ-તેમ ગુજરાતમાંથી દારૂ પકડાવવાનો સીલસિલો શરૂ થઈ જાય છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કડક કામગીરીના કારણે બુટલેગરો દારૂ સપ્લાય કરવા માટે અલગ અલગ પેતરાઓ અપનાવી રહ્યા છે. આવું જ કંઇક વાપીમાં સામે આવ્યું છે કે જ્યાં દારૂની હેરફેરીની પોલીસને ખબર ન પડે તે માટે બુટલેગરો એમ્બ્યૂલન્સનો ઉપયોગ કરતા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વાપી પોલીસ ગોલ્ડન કોઈન સર્કલ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસેને દમણથી આવતી એક એમ્બ્યૂલન્સ પર શંકા જણાઈ હતી. શંકાના આધારે પોલીસે એમ્બ્યૂલન્સને રોકી તેનું ચેકિંગ કરતાં તેમાથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના કારણે પોલીસે દારૂના મુદ્દામાલ સાથે એમ્બ્યૂલન્સને કબ્જે કર્યો હતો અને દારૂની સપ્લાય કરતાં બે બુટલેગરોની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા આ આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ બંને સાળો બનેવી છે અને ઓછી મહેનતે વધારે રૂપિયા કમાવવા માટે તેઓ દમણથી આ દારૂનો જથ્થો લાવ્યા હતા. પોલીસે આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, મોરાઈ ચેકપોસ્ટ પર અંકલેશ્વરના બે બુટલેગરોએ દારૂ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સામાન્ય રીતે એમ્બ્યૂલન્સનું ચેકિંગ થતું નથી પણ આમાં પણ દારૂ આવી શકે તેવો શક કરી પોલીસે એમ્બ્યૂલન્સનું ચેકિંગ કરતાં તેમાથી દારૂનો મુદ્દામાલ પકડાયો હતો. હાલ આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવીને તેઓ કેટલા સમયથી આ દારૂની સપ્લાય કરે છે અને તેઓ એમ્બ્યૂલન્સ ક્યાથી લાવ્યા હતા તે મામલે તપાસ કરવામાં આવશે.