મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બૈનુલના મુલતાઇ ગામમાં તળાવ પાસે અષાઢ સુદ સાતમના દિવસે તાપી નદીનું પ્રાગટ્ય થયું હતું. સૂર્યદેવની આંખમાંથી એક આંસુનું ટીપું પડતાં લોકમાતા તાપીનો જન્મ થયો હતો તેવી માન્યતા છે. તાપીનાં સ્મરણ માત્રથી જ પાપોનો નષ્ટ થાય છે તેવું શહેરીજનો માને છે. સુરતની 60 લાખની વસતીને પીવાનું પાણી પૂરું પાડતી તાપી માતાનો શનિવારે જન્મદિવસ હતો. શ્રદ્વાળુઓ શનિવારે સવારથી જ તાપીમાતાના પૂજન માટે વિવિધ ઓવારા પર ઊમટી પડ્યા હતા. જેમાં નાવડી ઓવારા પર શ્રદ્વાળુઓએ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર પૂજા-અર્ચના કરી હતી.
શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા કોરોનાના કેસોના કારણે જાહેર કાર્યક્રમો બંધ રખાયા હતા. વિવિધ ઓવારા પર મંદિરો અને શ્રદ્વાળુઓ દ્વારા તાપી માતાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેમાં મોટા મંદિર વલ્લભાચાર્ય દ્વારા નાવડી ઓવારા પર, ચોકબજાર સ્થિત શ્રી તાપીમાતાના મંદિર પાસે ઘંટા ઓવારા, અશ્વિનીકુમાર ઓવારા, અમરોલીના લંકા વિજય ઓવારા અને જહાંગીરપુરામાં કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ ઓવારા પર તાપીમાતાના જન્મદિવસે પૂજા -અર્ચના અને સવાર-સાંજ આરતી કરી ચૂંદડી અર્પણ કરાઈ હતી. તેમજ કોરોના સામે લડત અને ભારત દેશની સીમાના સૈન્ય જવાનોને શક્તિ અર્પે, વિજય બનાવે તેવા આશીર્વચન માટે શ્રદ્વાળુઓએ પ્રાર્થના કરી હતી. મંદિરમાં ભક્તોની ભીડ ન થાય એ માટે આ વર્ષે તાપી માતાની સાલગીરીની સાદાઇથી ઉજવણી કરાઈ હતી.
કોરોનાના કારણે ફક્ત મનપાના પદાધિકારીઓએ જહાંગીરપુરાના કુરુક્ષેત્ર ઓવારા ખાતે તાપી નદીના જન્મદિનની ઉજવણી કરી
સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે નાનપુરામાં નાવડી ઓવારા ખાતે સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નિયંત્રણના ભાગરૂપે કોઇપણ પ્રકારના જાહેર કાર્યક્રમ કરવાના બદલે શનિવારે સાંજે જહાંગીરપુરાના કુરુક્ષેત્ર ઓવારા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફક્ત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી સુરત શહેર માટે કલ્યાણકારી ભવિષ્યની વાંચ્છના સાથે દીપ પ્રગટાવી તાપી માતાની આરતી, વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી ઉજવણી કરી હતી.