સુરત ભાજપ લઘુમતિ મોરચા સાથે સંકળાયેલા અને ભાજપના નેતાઓના જમીનના સોદામાં આગળ પડતી ભૂમિકા ભજવનારા ઝાકીર શાહની પોલીસે ધરપકડ કરી છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનમાં ઝાકીરને આખરે જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
ઝાકીર શાહનો ઈતિહાસ ભાજપ સાથે જ શરૂ થયો હતો. ભાજપમાં રહીને ઝાકીર શાહે સુરત અને આજુબાજુના વિસ્તારોની જમીનના સોદાનો ધંધો શરૂ કર્યો હતો અને સુરતના ધાસ્તીપુરા વિસ્તારમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. હાલ ઝાકીર શાહ ભાજપના લધુમતિ ફેસ મનાતા મહેબુબ અલીના ખાસ વિશ્વાસુ મનાય છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યનો પણ તે અંગત હોવાનું કહેવાય છે.
વિગતો મુજબ ભાજપ માઈનોરીટી સેલના પૂર્વ એક્ઝિકયુટીવ મેમ્બર ઝાકીર શાહ વિરુદ્વ જમીન પચાવી પાડવાનો ગુનો નોંધાયો હતો અને એફઆઈઆરની સામે આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન નામંજુર કરતા પાછલા કેટલાક દિવસોથી ઝાકીર લપાતો-છૂપાતો ફરતો હતો. આજે છેવટે પોલીસના હાથમાં આવી જતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સુરતના પાલીયા ગ્રાઉન્ડ નજીક આવેલી પારસી મહિલાની જમીન પચાવીને તેના પર પ્રોજેક્ટ કરી કરોડો રૂપિયા ઓહીયા કરી જવાનો ઈરાદો રાખતા ઝાકીર શાહને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. ઝાકીર શાહ પોલીસ કમિશનરની કચેરીએ ભટકી રહ્યો હતો ત્યારે લાલગેટ પોલીસને બાતમી મળતા તાબડતોડ પોલીસે તેને ત્યાંથી ઉંચકી લીધો હતો. ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.