ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેતા રવિવારે સાંજે 8 કલાકે ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ 59 હજાર કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. તેથી કોઝવેની સપાટી (Cozway Level) પણ સતત વધી રહી છે. ઉકાઇ તેમજ શહેરમાં ભારે વરસાદનું પાણી કોઝવેમાં આવતા કોઝવે પરથી 1 લાખ 98 કયુસેક આઉટફલો થઇ રહ્યુ છે. છેલ્લા એક મહિનાથી કોઝવે ઓવરફલો થઇ ગયો છે. પરંતુ તાપી નદીમાં પાણીની આવક વધતા હાલ કોઝવે ભયજનક 6 મીટર સપાટીની ઉપર 9 મીટર પર વહી રહ્યો છે. શનિવારે સાંજે 8 કલાકે કોઝવેની સપાટી 7.26 હતી તેમાં 1.74 મીટર વધીને રવિવારે સાંજે 8 કલાકે 9.00 મીટર થઇ હતી. તેથી કોઝવે પર બન્ને કાંઠે વહેતી તાપી નદીમાં (Tapi River) ધુધવાટાભેર વહી રહેલા પાણીનો નજારો નયનરમ્ય બન્યો છે. અને તાપી નદી બે કાંઠે નવોઢાની જેમ સોળે કળાએ ખીલીને વહી રહી છે.
ઉપરવાસમાં બે દિવસથી ભારે વરસાદથી ઉકાઈ ડેમની સપાટી 335.17 ફૂટ પહોંચી
સુરતઃ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે વિતેલા 24 કલાકમાં ઉપરવાસમાં ફરી ભારે વરસાદ ખાબક્યો છે. રેઇન ગેજસ્ટેશનોમાં કુલ 438 મીમી જેટલા ધોધમાર વરસાદના કારણે રવિવારે સાંજે ઉકાઈ ડેમમાં 1.59 લાખ ક્યુસેક આવક અને જાવક નોંધાઈ હતી. અને ડેમની સપાટી 335.17 ફૂટ ઉપર પહોંચી છે. જેથી નીચાણવાળા વિસ્તારો એલર્ટ ઉપર આવી ગયા છે.સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જેને પગલે ડેમના સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેઇન કરવા ફરી ડેમમાંથી પાણીની છોડવાનું શરૂ કરાયું છે. રવિવારે સાંજે ઉકાઈ ડેમમાં 1.59 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જે પૈકી 1.15 લાખ ક્યુસેક પાણી હથનુર ડેમમાંથી છોડાયું હતું. આ સિવાય ઉકાઈ ડેમમાંથી પણ ડેમનું લેવલ જાળવી રાખવા માટે તથા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 1.59 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. જેને લઈ તાપી નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે પણ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી પણ પાણીનો મોટો જથ્થો છોડાતાં ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો નોંધાયો છે. કાલ રાતથી હથનુર ડેમના 24 દરવાજા ખોલાતાં ઉકાઈમાં 1,45,00 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ઉકાઈ ડેમની હાલની સપાટી 335.17 ફૂટ પર પહોંચી છે.
- ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકનો વરસાદ
- ટેસ્કા 21.00
- લખપુરી 06.20
- ચીખલધરા 24.60
- ગોપાલખેડા 09.40
- ડેડતલાઈ 30.80
- બુરહાનપુર 32.00
- યરલી 11.00
- હથનુર 15.40
- ભુસાવલ 12.20
- ગીરના 09.20
- દહીગાવ 10.20
- ધુલિયા 07.80
- સાવખેડા 27.20
- ગીધાડે 36.40
- સારણખેડા 26.00
- ચીકલોદ 12.00
- સાગબારા 53.00
- ખેતીયા 68.00
- નંદુરબાર 23.00
- નિઝામપુર 03.80