CAAના સમર્થનમાં સૂરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. સૂરતમાં નીકળેલી રેલીમાં હજારોની સંખ્યામાં સૂરત વાસીઓ જોડાયા હતા. આ દરમિયાન રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ રેલીમાં દેશના ગદ્દારોને ગોળી મારોના નારા પણ લાગ્યા હતા.
સૂરતના વરાછાથી હીરાબાગ સુધી CAAના સમર્થનમાં નીકળેલી રેલીમાં હજારો લોકો જોડાયા હતા. આ રેલીમાં સૂરતના તમામ ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા હતા. હીરાબાગ વિસ્તારમાં સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસેથી આ રેલી પસાર થઇ હતી. આ રેલીમાં દેશભક્તિના નારા પણ સાંભળવા મળતા હતા. વિજય રૂપાણીએ CAAના સમર્થનમાં રેલી દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા.
વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસ દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસે દેશના તમામ સ્તંભને તોડ્યા છે. બાંગ્લાદેશ પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને આ દેશમાં નાગરિકતા મળી છે. કોંગ્રેસે દેશમાં લોકશાહીનું હનન કર્યુ છે. આતંકવાદીઓ સાથે કોંગ્રેસનું ઇલુ ઇલુ ચાલતુ હતું, કોંગ્રેસે આતંકવાદીઓને બિરયાની ખવડાવી હતી.
સૂરતના ધારાસભ્યોએ CAAની રેલી દરમિયાન કહ્યુ કે, વિરોધ પક્ષો દ્વારા જે રીતે દેશની પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે જેમાં આજના દિવસે સૂરતની પ્રજા જડબાતોડ જવાબ આપી રહી છે.