સુરતની સંપાદિત જમીનો પર બિલ્ડર લોબીનો ડોળ રહેલો હોય છે અને એવું કશુંક સુરતના પોશ એરિયા સિટી લાઈટ વિસ્તારમાં આવેલી કૃષિ ફાર્મની જમીન અંગે બની રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સિટી લાઈટ વિસ્તારમાં વચ્ચોવચ આવેલી અને સોનાની લગડી જેવી જમીનને અમેરિકા સ્થિત છત્રાલા ગ્રુપને બજાર ભાવ કરતાં ઓછા ભાવે પધરાવી દેવાની પેરવી છેક ગાંધીનગરથી થયા બાદ છત્રાલા ગ્રુપ સરકારે નક્કી કરેલી શરતો પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું હોવા છતાં જમીનને પરત લેવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
માહિતી મુજબ સિટી લાઈટ વિસ્તારમાં કૃષિ ફાર્મની જમીન પર અગાઉ ડાયમંડ બુર્સનું નિર્માણ કરવાનું આયોજન કરવમાં આવ્યું હતું. જમીનને ડી-રિઝર્વ કરી દેવામાં આવી સુરત સહિત અનેક બિલ્ડરોનો ડોળો આ જમીન પર પડવા માંડ્યો. ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા આ જમીનને છત્રાલા ગ્રુપને આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું અને તેના માટે પેમેન્ટની કન્ડીશન પણ ફાઈનલ કરી દેવામાં આવી હતી. આશરે 200 કરોડની આસપાસ રૂપાણી સરકારે જમીનને છત્રાલા ગ્રુપને આપવાનું નક્કી કર્યું અને જમીન માટે બાંધી મુદ્દતમાં રૂપિયા આપી દેવાનું જણાવી દેવામાં આવ્યું પરંતુ મુદ્દત પૂર્ણ થઈ થતાં છત્રાલા ગ્રુપ દ્વારા સરકારને રૂપિયા આપવામાં આવ્યા નથી.
વિશ્વસનીય માહિતી મુજબ હવે છત્રાલા ગ્રુપના હાથમાંથી સોનાની લગડી જેવી જમીન જાય નહીં તેના માટે ગુજરાત ટૂરિઝમ મારફત એક દરખાસ્ત તૈયાર કરી હવે પછીના બાકીના રૂપિયા ચૂકવવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અનેક સિવિલ દાવાઓ સાથેની આ જમીન છત્રાલા ગ્રુપને આપી દેવા અને તેના માટે ગુજરાત સરકાર શા માટે આટલી બધી પ્રયત્નશીલ બની રહી છે. શા માટે ગુજરાત સરકાર ટૂરિઝન ડિપાર્ટમેન્ટ હસ્તક છત્રાલાને રૂપિયાની ચૂકવણીમાં નિયમો વિરુદ્વ આર્થિક લાભ પહોંચાડવા તૈયાર થઈ ગઈ છે.
વિગતો મુજબ કૃષિ ફાર્મની જમીન પર ડાયમંડ બુર્સ બાંધવા સામે સ્થાનિક લોકોએ વિરોધ કરતાં ગુજરાત સરકાર પીછેહઠ કરવી પડી હતી અને ડાયમંડ બુર્સને ખજોદ ખાતે સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી. હવે છત્રાલા ગ્રુપને નિયમો નેવે મૂકી, બજારભાવ કરતા ઓછા ભાવે જમીન આપી દેવાની અને જમીનના રૂપિયા નિયત સમયમાં નહીં ચૂકવાતા ટૂરિઝમ મારફત આર્થિક લાભ પહોંચાડવાની બાબત તપાસ માંગી લે તેમ છે.