કોરોનાનો કહેર શહેરભરમાં ફેલાયેલો છે. ત્યારે આજે સુરતમાં વધુ 5 દર્દીઓના મોત નીપજયા છે. તમામ મૃતકોની ઉંમર પંચાવન વર્ષ કે તેથી વધારે હોવાની વિગત જાણવા મળી છે. વરાછા એ. કે. રોડ પર રહેતા 70 વર્ષિય પુરુષ ગત તારીખ 31 મેના રોજ પોઝિટિવ કેસ સાથે સિવિલમાં(Civil) દાખલ થયા હતા. જયારે બેગમપુરાના 70 વર્ષના પુરુષ ગત તારીખ 19 જુનના રોજ પોઝિટિવ કેસ સાથે ખાનગી હોસ્પિટલમાં(Hospital) દાખલ થયા હતા. ડાયાબિટીસની બિમારી ધરાવતા 57 વર્ષના પુરુષ પણ 14મી તારીખે અને કતારગામ બાપા સીતારામ ચોકમાં રહેતા 55 વર્ષિય પુરુષ તથા સરસાણા ગામના 70 વર્ષિય પુરુષ પણ ગત તારીખ 15મી જુનના રોજ સિવિલ હોસ્પિટલમાં પોઝિટિવ કેસ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. આ લોકોને પણ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બિમારી હોવાની વિગત જાણવા મળી છે. આ પાંચેય દર્દીઓના આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા. આ સાથે કુલ મૃતાંક 137 પર પહોંચ્યો છે.
શહેરમાં આરોગ્ય તંત્રના કર્મચારીઓ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે એ ચિંતાનો વિષય છે. ત્યારે કોરોના દર્દીઓની જ્યાં સારવાર થઇ રહી છે તે સ્મીમેરસ્થિત કોવિડ હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓની જે સંભાળ રાખી રહ્યા છે તે ક્રિટિકલ કેર વિભાગમાં કોરોના વોરિયર્સ તરીકે માનદ સેવા આપી રહેલા અને શહેરના જાણીતા ફિઝિશિયન ડો. સમીર ગામીને પણ કોરોનાનો ચેપ હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ છવાયો હતો.
મનપાના કર્મચારીઓમાં સતત વધી રહેલું સંક્રમણ : હવે હાઇડ્રોલિક વિભાગના કર્મચારી પોઝિટિવ
શહેરમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ સપડાઈ રહ્યા છે. કોરોનાના સંક્રમણમાં અત્યાર સુધીમાં 70થી વધુ મનપાના કર્મચારીઓ સપડાઈ ચૂક્યા છે. અને સોમવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં વધુ એક મનપાનો કર્મચારી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યો છે. મનપાના હાઈડ્રોલિક વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને સોમવારે કોરોના પોઝિટિવ આવ્યો હતો.