સુરતમાં કોરોનાની હાલત દિન-પ્રતિદિન બગડતી જઇ રહી છે. સુરતમાં આજે મહિધરપુરા પોલીસના એએસઆઇ સહિત 3ના મોત નીપજ્યા હતા. પોલીસ દ્વારા મૃતક પોલીસ જવાનને સલામી પણ આપવામાં આવી હતી. આ સાથે આજે કુલ મૃતાંક 104 પર પહોંચ્યો છે. સુરતમાં રવિવારે કોરોનાના નવા 68 કેસો નોંધાયા હતાં. શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2600 પર પહોંચી છે. શહેરનાં સેન્ટ્રલ ઝોન, વરાછા અને કતારગામ વિસ્તારમાં કોરોનાને કારણે મોત થયા હતાં.
મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 55 વર્ષિય મગનભાઇ રણછોડભાઇ બારીયા (રહે. નિલકંઠ સોસાયટી, કતારગામ)ને છેલ્લા કેટલાય સમયથી ડાયાબિટીસ અને કિડનીની બિમારી હતી. તેઓને તબિયત બગડતા તેઓનો કોવિડ-19નો રીપોર્ટ કાઢવામાં આવતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી મગનભાઇને સારવાર અર્થે ગત તારીખ 11મી જુનના રોજ નવી સિવિલમાં દાખલવામાં આવ્યા હતા. જયાં તેઓનું આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જયારે નવી સિવિલમાં સારવાર લઇ રહેલા વરાછા ઝોન-એના 55 વર્ષીય પુરુષનું પણ આજે મૃત્યુ થયું હતું અને સૈયદપુરામાં રહેતા 75 વર્ષિય વૃદ્ધનું પણ મોત નીપજ્યું હતું. વરાછાના દર્દીને ગત તારીખ 5 જુનના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને ડાયાબિટીસની બિમારી પણ હતી. જયારે સૈયદપુરાના વૃદ્ધને હ્દય અને ડાયાબિટીસીની બિમારી સાથે ગત તારીખ 6 જુનના રોજ દાખલ કરવામાં આવ્યો હતો.

કોરોના પોઝીટીવ દર્દીને મૃત જાહેર કરવાના મામલે નવી સિવિલ હોસ્પિટલના તબીબોમાં વ્યાપેલો વિવાદ
સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીની મૃત જાહેર કરવાના થયેલા વિવાદથી ટ્રોમાં સેન્ટરના તબીબોમાં રોષ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ નવી સિવિલમાં ઉભી કરવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં અગાઉ પોઝિટિવ કેસમાં ગંભીર હાલતના દર્દીના મૃત જાહેર કરવાના માટે સિવિલના ટ્રોમાં સેન્ટરમાંથી સીએમઓને બોલાવવામાં આવતા હતા. જેના કારણે સીએમઓમાં કચવાટ ઉભો થયો હતો. પરંતુ જે તે સમયે ઉપલા અધિકારીઓએ યોગ્ય વ્યવસ્થા પણ કરી હતી. પરંતુ હવે ફરી એકવાર પોઝીટીવ દર્દીને મૃત જાહેર કરવા સીએમઓને જવાબદારી સોંપવા ચક્રો ગતિમાન થતા આ મામલે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ટ્રોમા સેન્ટરના સીએમઓ જે પોસ્ટમોર્ટમ કરે છે. તેઓને ફરી દર્દીને મૃત જાહેર કરવાની ડયુટી સોંપવામાં આવશે. તેવું ડોકટર મિત્રોમાં ચર્ચાઇ રહ્યું છે. જેને કારણે સીએમઓમાં ફરી કચવાટ સાથે રોષ જોવા મળ્યો છે.