સુરતના ઉધના વિસ્તારમાં બરોડ રેયોન(BRC) ગેટ નજીક આવેલા સાંઈબાબાના મંદિરમાં દર્શન કરવા આવેલી મહિલાને સુરત મહાનગરાપાલિકાની કચરા ગાડીએ કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલાનો ચમત્કારીક બચાવ થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
કચરા ગાડી નીચે આવેલી મહિલાનું નામ રમીલાબેન સોલંકી હોવાનું જાણવા મળી રહ્યું છે. રમીલાબેન સુરત મહાનગરપાલિકાની ઉધનાની વિજય નગર ખાતે આવેલી વોર્ડ ઓફીસમાં કામ કરે છે. આજે સવાર તેઓ સાંઈબાબાના દર્શન કરવા માટે BRC ગેટ નજીક પહોંચ્યા હતા. દર્શન કરતી વખતે ડોર ટૂ ડોર ગાર્બેજની કચરા ગાડીએ રિવર્સમાં ગાડી લેતા રમીલાબેન ગાડીની નીચે આવી ગયા હતા. પરંતુ રમીલાબેનને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેઓ હેમખેમ ગાડીની નીચે આવ્યા બાદ પણ તરત જ ઉભા થઈ ગયા હતા.
કચરાના ટેમ્પો ચાલકની સ્થાનિક રહીશો દ્વારા ખાસ્સી ધોલધપાટ પણ કરવામાં આવી હતી. રમીલાબેનનો આબાદ બચાવ થતાં તેમણે સાંઈબાબાનો પાડ માન્યો હતો અને કહ્યું હતું કે જાકો રાખે સાંઈયા, માર સકે ન કોય.