સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ અને વરાછા ઝોનમાં સુરત મહાનગરપાલિકાના ડોર ટૂ ડોર ગાર્બેજ દ્વારા લવાતા કચરાના નિકાલ અંગે કોન્ટ્રાક્ટરો દ્વારા સુરત મહાનગરપાલિકાએ નક્કી કરેલા નિયમો અને શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ અંગે બેથી ત્રણ વખત સુરત માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલા દ્વારા ફરીયાદ પણ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા યુજી નાયક(ઉદય નાયક)ને પણ ફરીયાદ કરી રૂબરૂમાં પુરવા સહિતની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયકે કોન્ટ્રાક્ટર ઈકો વિઝનને નોટીસ આપી હતી. આ નોટીસ સંભવિત ફરીયાદના બદલે માત્ર કચરાનો ભરાવો થયો હોવાના અને કમિશનરની વિઝીટનો ઉલ્લેખ કરી આપવામાં આવી હતી. પરંતુ ફરીયાદને ધ્યાને લીધા વિના ઉદય નાયક કે અન્ય અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી.
તેમણે કહ્યું કે બલ્કે ઉદય નાયકે ફોન પર જે રીતે જે શબ્દોમાં વાત કરી છે એના પરથી જણાઈ આવે છે કે તેઓ કોર્પોરેશનના કર્મચારી નહી પણ જે કંપનીઓને કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપ્યા છે તેના કર્મચારી હોવાનું વધારે લાગે છે. આના કારણે કોર્પોરેશનને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. ઉદય નાયક, આશિષ નાયક અને ઉમરીગર એમ આ ત્રણેયની આ કાંડમાં ભૂંડી ભૂમિકા હોવાનું સાફ જણાય છે. ટ્રાન્પોર્ટેશનમાં પેટા-કોન્ટ્રાક્ટે વજન કાંટો બગાડી નાંખ્યો છે તો તેની પરવાનગી કોણે આપી તેવો પ્રશ્ન પણ હાજી ચાંદીવાલાએ લેખિત રજૂઆત સાથે પાલિકા કમિશનરને કર્યો છે.
કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલાએ જણાવ્યું કે સમગ્ર કૌભાંડ અંગે ફોટો અને વીડિયો પણ પુરાવારૂપે આપવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાને ડોર ટૂ ડોર ગાર્બેજના કચરામાં થઈ રહેલા આર્થિક નુકશાન અંગે વિજિલન્સ તપાસ કરવામાં આવે અને જે કોઈ પણ દોષિત હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયક, સોલિડ વેસ્ટ ખાતાના ઉદય નાયક અને આરોગ્ય અધિકારી ઉમરીગરની ભૂંડી ભૂમિકા હોવાથી તેમની સામે વિજિલન્સ તપાસ યોજવા તેમણે મ્યુનિ.કમિશરન થેન્નારાસનને રજૂઆત કરી છે.
તેમણે વધુમાં રજૂઆત કરતાં લખ્યું છે કે સેન્ટ્રલ ઝોનની જેમ જ વરાછા ઝોનમાં પણ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનનાં કચરાના નિકાલમાં અમારી મુલાકાત દરમિયાન નિયમ પ્રમાણે થઈ રહ્યું ન હોવાનું જણાઈ આવ્યું છે. સેન્ટ્રલ ઝોન અને વરાછા ઝોન એમ બન્ને ઝોનના ટ્રાન્સપોર્ટેશન સેન્ટરોમાં થઈ રહેલાં કચરાના વેપાર અંગે વિજિલન્સ તપાસ કરવામાં આવે.