શહેરના ન્યુ વીઆઈપી રોડ સ્થિત સી.બી.પટેલ ફાર્મના પાર્કિગમાં પોતાની કારમાં ફિયાન્સી સાથે બેસેલા યુવાનને પિસ્તોલની અણીએ બાનમાં લઈ યુવતી સાથે અશ્લીલ હરકત કરવા ઉપરાંત રોકડ, મોબાઇલ ફોન અને એટીએમમાંથી રોકડ ઉપાડી કુલ રૂા. 43 હજાર લૂંટી લેનાર બે લુંટારૂ પૈકી એકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ખટોદરાના મહાત્મા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતો અને તે વિસ્તારમાં જ પિતા સાથે લુમ્સનું કારખાનું ચલાવતો 28 વર્ષીય મિહીર (નામ બદલ્યું છે) શુક્રવારે રાત્રે ફિયાન્સી મનીષા (નામ બદલ્યું છે) સાથે યુનિવર્સિટી રોડ સ્થિત પાર્ટી પ્લોટમાં સામાજીક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ન્યુ વીઆઈપી રોડ સ્થિત સી.બી.પટેલ ફાર્મના પાર્કિગમાં કાર પાર્ક કરી પાછળની સીટ ઉપર બેસી વાતો કરી રહ્યા હતા. તે દરમ્યાનમાં રાત્રે સવા બાર વાગ્યાના અરસામાં બે લુંટારૂઓ ઘસી આવ્યા હતા અને મિહીરને પિસ્તોલ વડે બાનમાં લઈ તુમ્હારે પાસ જો હે વો નિકાલ કે દેદે નહી તો ઠોક દુંગા. જેથી ડરી જનાર મિહીરે વોલેટ કાઢીને આપી દીધું હતું. જેમાંથી રોકડા રૂા. 5 હજાર અને બેન્ક એટીએમ કાર્ડ લઇ પાસવર્ડ માંગી લીધો હતો અને એટીએમમાંથી રોકડા રૂા. 10 હજાર ઉપાડી લીધા હતા.
ઉપરાંત મનિષાના પર્સમાંથી રોકડા રૂા. 8 હજાર અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 43 હજારની મત્તા લૂંટી લીધી હતી. પિસ્તોલની અણીએ યુગલને લુંટી લેનાર બંન્ને લુંટારૂઓએ મનિષા સાથે અશ્લીલ હરકત કરતા મિહીરે પ્રતિકાર કરતા તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે અંતર્ગત લુંટારૂઓએ પિસ્તોલનું ટ્રીગર દબાવ્યું હતું પરંતુ સદનસીબે ફાયરીંગ નહિ થતા મોટી દુર્ઘટના થતા રહી ગઇ હતી. જો કે ફિયાન્સી સાથે અશ્લીલ હરકત કરનાર લુંટારૂઓનો હિમ્મત પૂર્વક પ્રતિકાર કરી મિહીરે પિસ્તોલ છીન્વી લીધી હતી અને ઝપાઝપી દરમ્યાન કોણી વડે હોર્ન દબાવી રાખતા લોકો દોડી આવશે તો પકડાય જવાના ડરના માર્યા બંન્ને લુંટારૂ ભાગી ગયા હતા. આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ હિલ્પા સિંધા અને તેમની ટીમે બે પૈકી એક લુંટારૂ સુનીલ ઉર્ફે સોનુ મનાલાજી નાઇ (ઉ.વ. 24 રહે. હાલ તડકેશ્વર મહોલ્લો, શિવ શક્તિ સોસાયટી સામે, ભટાર રોડ અને મૂળ પદરાડા, તા. ધોગુંડા, જિ. ઉદેપુર, રાજસ્થાન) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂા. 7800, મોબાઈલ ફોન અને પલ્સર મોટરસાઇકલ મળી કુલ રૂા. 78,300નો મુદ્દામાલ કબ્જે લીધો છે.