સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની વરાછાની શાળાના કારભારીઓએ દાખવેલું દોઢ ડહાપણ વિવાદને આમંત્રણ આપનારુ સાબિત થયું છે. શિક્ષણ સમિતિની આ શાળામાં 500ની કેપેસીટી સામે અધધ..2500 ફોર્મ વિતરણ કરી દીધા બાદ હવે એડમિશન પ્રોસિજર ઉપર રોક લગાવતા વાલીઓમાં ભયંકર રોષ ફાટી નીકળયો છે.
સુરત મહાનગરપાલિક સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં માંડ માંડ બાળકોની સંખ્યા થાય છે. મનપા વિસ્તારમાં સેકડો શાળાઓમાં પૂરતા બાળકો નથી, છતાં શિક્ષણ સમિતિના કારભારીઓ એક અલગ જ દુનિયામાં રાચે છે. તાજેતરમાં કોરોનાની મહામારીને લઇને ઠેરઠેર ફી માફી સહિતની માંગણીઓ ચાલે છે. નોકરી ધંધા વગર થયેલા સેંકડો વાલીઓને ઘર પરિવારનું ગુજરાન ચલાવવાના ફાંફા પડી ગયા છે. શહેરના ઢગેલબંધ વિસ્તારના વાલીઓ લાચાર છે. જેને પગલે હવે તેમને સરકારી કે સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં બાળકોને ભણાવવા તરફ પ્રયાણ કર્યુ છે. શિક્ષણ સમિતિ માટે આ એક સુખદ અવસર હતો.
જેમાં શિક્ષણ સમિતિની શાળાની છબી અને વહિવટ સુધારવા માટે સોનેરી તક હતી. પરંતુ સુધરે એ બીજા! વરાછાના પૂણા ગામમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં તંત્ર દ્વારા શાળાની સંખ્યા કરતા મોટા ભાગમાં આશરે 2500 કરતા વધારે પ્રવેશ ફોર્મ વહેંચી દોવામાં આવ્યા હતા. લાચારીવશ વાલીઓ રાત સુધી ફોર્મ લેવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. અંતે લાંબા ઉજાગરા લઈને ધક્કા ખવડાવ્યા બાદ હવે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી એવા ફતવાઓ કાઢીને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો.
હવે ડ્રો કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે: તંત્રનો હાસ્યાસ્પદ નિર્ણય
જો કે શરમજનક અને હાસ્યાસ્પદ બાબત તો એ છે કે શાળા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રવેશ ફોર્મ વધારે હોવાથી હવે ડ્રો કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. શાળામાં 2500 કરતા વધારે વાલીઓએ લાચારીવશ ફોર્મ તો મેળવ્યા પણ હવે વહીવટીદારોએ તેને સ્વીકારવાની ના પાડી દેતા વાલીઓ નિરાશ થયા છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં ડ્રો કરવા અંગે નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા શાળાના વહિવટદારોને કોને આપી તે પણ તપાસનો વિષય છે. વરાછા વિસ્તારમાં શિક્ષણ સમિતિની શાળાના બેહાલ જોઇ વાલીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.