વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા ભાજપ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરેશ ધાનાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશે નિવેદન આપતા કહ્યું હતું કે, લોખંડની જે આ પ્રતિમા બની છે, તેમાં ભંગારના ભુક્કાનો ઉપયોગ કરીને ભંગારમાં સરદારને કેદ કરવામાં આવ્યા છે. તેમની આ કમેન્ટ બાદ હોબાળો મચી ગયો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદન મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણે હજારો વર્ષથી જોતા આવ્યા છીએ કે, કોઈ પર્વતમાંથી આરસની પથ્થર નીકળ્યો હોય ત્યારે તેમાંથી માતાજીની મૂર્તિ બનાવવામાં આવે ભગવાનની શિવલિંગ બનાવવામાં આવે પછી આપણે તેને પથ્થર તરીકે નથી જોતા. એ ભગવાન છે, દેવ છે, માતાજીની મૂર્તિ છે, શિવલિંગ છે એ રીતે આપણે તેનું પૂજા હજારો વર્ષથી કરતા આવ્યા છીએ. કોઈ વીધર્મી એમ કહે કે, આ માતાજીની મૂર્તિ પથ્થર છે. કોઈ ધર્મનો દુશ્મન એક કહે કે, આ શિવલિંગ પથ્થરનો ટુકડો છે. તો કોઈ હિંદુ તેને ચલાવી લે નહીં. ત્યારે સરદાર વલ્લભભાઈની પ્રતિમાએ વિરાટ પ્રતિમા છે, ગુજરાતનું અને ભારતનું ગૌરવ છે. તેને કોઈ પણ વ્યક્તિ અમૂલ્યાંકિત કરવા જશે તો અમે સહેજ પણ ચલાવી લેવાના નથી.
આ મામલે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ ઈચ્છી રહ્યા છે કે, પરેશ ધાનાણીને ભૂલ કરી છે તેમણે માફી માંગવી જોઈએ પણ તેઓ જાહેરમાં બોલતા નથી. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ખૂબ જ દૂખમાં છે. પરેશ ધાનાણી જે બોલ્યા છે, તેનુ સંપૂર્ણ નુકશાન તેમને નહીં પણ આગામી દિવસોમાં કોંગ્રેસને થશે. આ બાબતે પરેશ ધાનાણી હજુ પણ માફી નહીં માંગે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છે ત્યાં ત્યાં વિરોધ કરશે. કોંગ્રેસને સરદાર પટેલના આ અપમાનનુ ખૂબ મોટું નુકશાન આગામી દિવસોમાં સહન કરવું પડશે. આખો દેશ એ જાણે છે કે, કોંગ્રેસે હંમેશાં સરદાર પટેલને અપમાનિત કર્યા છે.