ગુજરાતમાં એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ચૂંટણી બાદ દિન પ્રતિદિન સતત રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઇ રહ્યાં છે. તો સાથે સાથે દરરોજ 5થી 7 લોકોનાં મોતના આંકડા પણ સામે આવે છે. ત્યારે અગાઉ જ્યારે કોરોના વકર્યો હતો ત્યારે તો મોતના આંકડા જોઇને સૌ કોઇની આંખો ફાટી જતી. જેથી સૌ કોઇને અત્યાર સુધી એવું જ લાગ્યું હશે કે, કદાચ રાજ્યમાં કોરોનાના કારણે થયેલા મોતની સંખ્યા વધારે હશે. પરંતુ હકીકત કંઇક જુદી છે. રાજ્યમાં માર્ગ અકસ્માતથી થતા મોતના આંકડાઓ જાણી તમે ચોંકી જશો.રાજ્યમાં ભલે રોડ સેફટીને લઇને ગુજરાત ભલે સુરક્ષીત હોવાની વાતો કરતું હોય પરંતુ ગુજરાતના માર્ગ અકસ્માતના નિરાશાજનક આંકડાઓ સામે આવ્યાં છે. જેમાં ગુજરાતમાં રોજના 18 લોકો વાહન અકસ્માતમાં મૃત્યુ પામે છે. તો રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં વાહન અકસ્માતથી 13,456 લોકોના મોત થયાં છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 30377 વાહન અકસ્માતના બનાવો બન્યાં છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં વાહન અકસ્માતે 1351 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે સુરતમાં 1237, રાજકોટ 655 અને કચ્છમાં 578 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યાં છે.
