ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારે 2,17,287 કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું છે. ગુજરાત સરકાર તરફથી આ બજેટમાં અનેક મોટી જાહેરાતો કરીને દરેક વર્ગને ખુશ કરવાનો દાવો કર્યો છે, પરંતુ ગુજરાતનો હીરા ઉદ્યોગ આ બજેટથી નિરાશ જોવા મળી રહ્યો છે. રાજ્યના રત્નકલાકાર સંઘમાં બજેટથી અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ કમિટી સાથે ચર્ચા-વિચારણા કરી અચોક્કસ મુદ્દત માટે હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજ્યમાં હીરા ઉદ્યોગની સ્થિતિ છેલ્લા 3 વર્ષથી કથળી રહી છે. એક તરફ હીરાના નાના કારખાનાઓ છે તે પણ બંધ કરવાની નોબત આવી રહી છે અને બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 200 વ્યવસાય વેરો તરીકે વસૂલવામાં આવી રહ્યો છે. જેના પગલે રત્નકલાકાર સંઘમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
અગાઉ પણ બજેટ પૂર્વે રત્નકલાકાર સંઘ દ્વારા નાણામંત્રી તેમજ મુખ્યમંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં તેઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આ વખતે રજૂ થયેલા બજેટમાં ફરી એક વખત રત્નકલાકારોની ઉપેક્ષા કરવામાં આવતા રત્નકલાકારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.