બ્રેકઅપના એક વર્ષ પછી પ્રેમિકાની ધમકીના પગલે પ્રેમીએ આપઘાત કર્યાની ઘટના સુરતમાં બની છે. એક વર્ષથી જેની સાથે બોલવાના સંબંધ ન હતાં, એ યુવતીએ અચાનક આવીને ધમકી આપી કે મારા ગર્ભમાં તારું બાળક છે, સ્વીકારી લે નહીં તો…, યુવતી તરફે પોલીસ જમાદારની એન્ટ્રી થઇ અને માનસિક ત્રાસ વધ્યો.. પૂર્વ પ્રેમિકા અને પોલીસના બ્લેક મેઇલીંગમાંથી છૂટકારો મેળવવા યુવકે ડીએનએ ટેસ્ટ કરાવવાનું કહેતાં વાત વણસી અને પછી જે કંઇ થયું એનું પરિણામ યુવકના અપમૃત્યુ રૂપે બહાર આવ્યું. બારડોલી તાલુકાના કુવાડિયા ગામની આ ચકચારી ઘટનામાં યુવકના પરિજનોએ ન્યાય માટે રેન્જ આજીને ફરિયાદ કરી છે.
બારડોલી તાલુકાના કુવાડિયા ગામે રહેતા મયૂર કાંતિલાલ રાઠોડ નામના યુવાને ગઈ ૨૬મી માર્ચના રોજ પોતાના ઘરમાં ગળફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેના પિતા કાંતિલાલ બાલુભાઈ રાઠોડે સુરત રેંજ આઈજી રૂબરૂ એવી ફરિયાદ કરી છે કે, તેના દીકરાના અપમૃત્યુ માટે માધવી પ્રકાશ રાઠોડ, તેના પિતા પ્રકાશભાઈ રાઠોડ, માતા ઉષાબેન રાઠોડ અને બારડોલીની સરભોણ પોલીસ ચોકીના પોલીસકર્મી ભાવેશભાઈ જવાબદાર છે.
કાંતિલાલે વહાલસોયા દીકરાનો જીવ લીધો એ કારણ અને સંજોગો અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે જણાવ્યું છે કે, મયુરને ગામમાં જ રહેતી માધવી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો. જો કે એપ્રિલ ૨૦૧૭ના સમયમાં આ માધવીએે કોઈ અજાણ્યા પુરુષ સાથે ફરવા માંડતાં મયૂરે એની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા.
ત્યાર પછી એક વર્ષ બાદ એપ્રિલ ૨૦૧૮માં યુવતી માધવી રાઠોડે મયૂરને ફોન કરીને નવસારીની પારસી જનરલ હોસ્પિટલ ખાતે બોલાવ્યો હતો, જ્યાં તેની માતા રૂબરૂ માધવી પોતે પ્રેગ્નેટ છે અને બાળક તારું જ છે, તેથી લગ્ન કરી લે. જો તું લગ્ન નહીં કરે તો ખોટા કેસમાં ભેરવીને જેલભેગો કરી દઈશ. આ રીતે બે વખત ધમકાવ્યા બાદ માધવી અને પરિવારે બારડોલીની સરભોણ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે મયૂર રાઠોડ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
કાંતિલાલે એમ પણ જણાવ્યું છે કે, તેમના પુત્ર મયૂરને સરભોણ પોલીસ ચોકીના જમાદાર ભાવેશભાઈએ બોલાવી અન્યોની હાજરીમાં દમદાટી આપી હતી. જો કે મયૂરે માધવીના ગર્ભમાં જે બાળક છે તે તેનું નથી એ વાત મક્કમ રીતે જણાવી પોલીસ અધિકારીઓની હાજરીમાં તેનું ડીએનએ કરવા માટે તૈયારી પણ દાખવી હતી.
મયૂરની ન્યાયોચિત વાત છતાં તેને સરભોણ પોલીસ ચોકીએ તેડાવી જમાદાર ભાવેશભાઈએ ટોર્ચર કરવાનું ચાલુ રાખ્યું હતું. તે સમયે અન્યોની હાજરીમાં બંને તરફનું એક સમાધાન લખાણ તૈયાર કરી બાળકનો જન્મ થયા બાદ તેનું ડીએનએ કરાવવાનું નક્કી થયું હતું, પરંતુ બાળકના જન્મ પછી માધવી રાઠોડે ડીએનએ કરાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન મરનાર મયૂર રાઠોડને ત્રણ વખત સરભોણ પોલીસ ચોકીએ બોલાવીને વારંવાર જવાબો પોલીસે લીધા હતા.
આમ સતત માનસિક તનાવમાં આવેલા મયૂર રાઠોડે બાળક તેનું નથી તેવું જણાવતાં જમાદાર ભાવેશ સતત ઉશ્કેરાઈને તેને ધમકી આપતો હતો. આ દરમિયાન યુવતીના ગર્ભમાં ઉછરી રહેલું બાળક આ યુવતીના જેની સાથે સંબંધ હતા તે નવસારી કબીલપોરના રામલામોરા ખાતે રહેતા કોઈ મયૂર હરીશ રાઠોડ નામના યુવકનું હોવાની સતત રજૂઆત કરવા છતાં પોલીસે તે બાબતને ગણકારી ન હતી. પોલીસ અને યુવતી તેમજ તેના માતાપિતાએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની આપેલી ધમકીઓથી મયૂર માનસિક તાણમાં આવી ગયો અને આત્મહત્યા કરીબેઠો હતો.