કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરૂષ અને મહિલા ટીમે ઇંગ્લેન્ડ અને સિંગાપોરની ટીમને હરાવીને ચેમ્પિયન બની હતી. ભારતીય પુરૂષ ટીમના આ વિજયમાં સુરતના હરમિત દેસાઇ હીરો પુરવાર થયો હતો. ભારતીય પુરૂષ ટીમે ઇંગ્લેન્ડને હરાવીને આ ચેમ્પિયનશિપમાં પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. પુરૂષ ટીમે ઇંગ્લેન્ડને 3-2થી હરાવ્યું હતું, જ્યારે મહિલા ટીમે ડિફેન્ડીંગ ચેમ્પિયન સીંગાપોરને 3-0થી હરાવીને અપસેટ કર્યો હતો.
ભારતીય ટીમ તરફથી શરૂઆતની બે મેચમાં શરત કમલ અને જી સાથિયાન હારી જતાં ટીમ 0-2થી પાછળ પડી હતી, જા કે અહીંથી સુરતના હરમિત દેસાઇઍ ટીમ માટે હીરો જેવી ભૂમિકા ભજવી હતી. પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહેલા હરમિતે ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડના ડેવિડ મેકબીથને 4-11, 11-5, 8-11, 11-8, 11-8થી હરાવ્યો હતો. હરમિતે વિજય મેળવતા જ બાજી પલટાઇ હતી અને તે પછી સાથિયાને થોમસ જાર્વિસને 11-2, 6-11, 11-4, 11-4થી જ્યારે શરત કમલે સેમ્યુઅલ વોકરને 15-13, 12-10, 11-6થી હરાવતા ભારત 3-2થી જીતીને ચેમ્પિયન બન્યું હતું.
મહિલા ટીમે 1997થી સતત જીતતી આવેલી સિંગાપોરની મહિલા ટીમને હરાવી હતી. જેમાં અર્ચના ગિરીશ કામથે હો ટિન ટિનને, મનિકા બત્રાઍ ડેનિસ પાયેટને જ્યારે મધુરિકા પાટકરે ઍમ્લી બોલ્ટોનને હરાવીને આ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.