સુરતઃ ડાયમંડ સિટી સુરતમાં હીરાના વેપારીઓના હીરાના પેકેટ પડી જવાની ઘટના અવાર નવાર બનતી રહે છે. ત્યારે કતારગામમાં હીરાને લઇ અનોખો કિસ્સો નજરે ચડ્યો હતો. કોઈ વેપારીના હીરા રસ્તા પર પડી જવાના કારણે લોકોએ હીરા શોધવા ભાન ભૂલ્યા હોય તે રીતે રસ્તા પર બ્રશ લગાવવા લાગ્યાં હતાં. અને રસ્તો સાફ કર્યો હતો.જેથી વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
કતારગામ વિસ્તારમાં આવેલા ગોતાલાવાડીમાં નાના મોટા અનેક હીરાના કારખાના ધમધમી રહ્યાં છે. આ વિસ્તારના રસ્તા પર કોઈ વેપારીના હીરા પડી જવાની વાત વહેતી થઈ હતી. આ દરમિયાન રસ્તો સાફ કરતાં બે હીરા એક વ્યક્તિને મળ્યાં હતાં. જેની જાણ અન્ય લોકોને થતાં તેઓ પણ હીરા શોધવા રસ્તા પર આવી ગયા હતાં. અમુક લોકો તો પોતાના કામકાજ છોડીને પણ હીરા શોધવા લાગ્યાં હતાં. રસ્તા પરથી હીરા મળતા હોવાની ઘટનામાં લોકો પોતાના કામકાજ એક તરફ રાખીને પહેલા હીરા શોધવા લાગી ગયા હતાં. લોકો રસ્તાની ધૂળ સાફ કરીને અલગ અલગ પદ્ધતિથી હીરા શોધવામાં મશગૂલ થઇ ગયા હતા. હીરા શોધવામાં બાળકો અને મહિલાઓ પણ જોડાઈ હતી. જો કે હીરા કોના ખોવાયા અને કોને મળ્યાં તે સામે આવ્યું નથી. તેમજ એક બે હીરા મળ્યાં તે વ્યક્તિ ગમત કરતો હતો કે સાચે જ હીરા મળ્યાં તે અંગે પણ સ્પષ્ટતા કરવાથી લોકો દૂર રહ્યાં હતાં.