ગાંધીનગર- ગુજરાતના શહેરોમાં સુખ અને શાંતિ થાય તે માટે સરકાર કેટલાક વિસ્તારોને અશાંત ધારો લાગુ કરી રહી છે. એક નવા આદેશ પ્રમાણે રાજ્ય સરકારે સુરત શહેરના બે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી સરકારની નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનું રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે
રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સતત ચિંતા કરીને આ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે સુરત શહેરના આ વિસ્તારોમાં મળેલ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે .રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ સાથે પણ જરૂરી પરામર્શ કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન તથા રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે ધારાસભ્ય પુર્ણેશ મોદી,સંગીતા પાટીલ , વિવિધ સંસ્થાઓ, સામાજીક આગેવાનો તથા અન્ય લોકો તરફથી વિવિધ રજુઆતો કરવામાં આવી હતી.
આ રજુઆતો સંદર્ભે રાજયના મુખ્યમંત્રીએ સુરત શહેરના પોલીસ કમિશ્નર અને જિલ્લા મેજીસ્ટ્રેટના હકારાત્મક અભિપ્રાય ધ્યાને લઇને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે નિર્ણય કર્યો જેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે.
રાજય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલ્કતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડીત નાગરીકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. આ વિસ્તારોમાં હવેથી મિલકતની વેચાણ કરતા અગાઉ સુરત કલેકટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.