સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા ભરીમાતા ટ્રાન્સપોર્ટેશન સેન્ટર ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કચરા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આઠ દિવસે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયક હરકતમાં આવ્યા અને નોટીસ પણ આપી પરંતુ નોટીસ આપવાનું કારણ એવું આપ્યું કે જાણે કોન્ટ્રાક્ટરે કોઈ કૌભાંડ જ કર્યું નથી. નોટીસની વિગત જોતાં એવું લાગે છે કે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ પોતાના સોલિડ વેસ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે.
આવું હતું સ્ટીંગ ઓપરેશન…
નોટીસની વિગતો મુજબ સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયકે કચરાનો નિકાલ કરતા કોન્ટ્રાક્ટર ઈકો વિઝન એન્વાયરમેન્ટલ રિસોર્સીને નોટીસ આપી છે. આ નોટીસ એટલા માટે આપવામાં આવી છે કે ઈકો વિઝને પ્લાસ્ટીક-રિસાયકલેબલ વેસ્ટનો સમયસર નિકાલ કર્યો નથી. કમિશનર દ્વારા ટ્રાન્સફર સ્ટેશનોની મુલાકાત લેવામાં આવ્યા બાદ પણ ટ્રાન્સપોર્ટેશન સેન્ટરો પર વેસ્ટનો ભરાવો થયો છે આ ભરાવાને તાકીદે દુર કરવા માટે નોટીસ આપવામાં આવી છે.
વાંચો ઈકો વિઝનને ભળતા કારણોસર અપાઈ નોટીસ…
હકીકતે ઈકો વિઝન દ્વારા સરેઆમ નિયમોનો ભંગ કરી ડોર ટૂ ડોર ગાર્બેજના કચરાને બારોબાર વેચી મારવામાં આવે છે અને તે અંગે સત્ય ડેને કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી ચાંદીવાલાએ સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. હાજી ચાંદીવાલાની ફરીયાદને પણ કચરા ટોપલીમાં નાંખી દેવામાં આવી છે એવું નોટીસ જોતાં લાગે છે. મ્યુનિસિપલ કમિશનરને પણ ફરીયાદ કરવામાં આવી હતી પણ ફરીયાદને ધ્યાને લીધા વિના અને બોલતા પુરાવા આપ્યા હોવા છતાં ડે. હેલ્થ કમિશનરે ભળતા કારણોસર નોટીસ આપી છે. એવું કહી શકાય કે માથું દુખવાની દવા લેવા ગયા અને પેટની દવા આપી દેવામાં આવી. (વધુ આવતીકાલે)