સુરત મહાનગર પાલિકાએ સુરતમાંથી કચરા પેટીને સદંતર નાબુદ કરી નાંખી છે, આના કારણે સુરતમાં ઠેર-ઠેર કચરના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. પાલિકાના શાસક ભાજપની સ્થિતિ મા મને કોઠીમાંથી કાઢ જેવી બની ગઈ છે તો વહીવટી તંત્રના માથે સુરતને કચરા પેટી મૂક્ત કર્યા બાદ કચરા મૂક્ત બનાવવાની ઉપાધિ વધી પડી છે.
ભાજપની કચરા નીતિ આમ તો કચરા પેટીમાં લાગી ગઈ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઓપેરેશન ક્લિન સુરત કરવામાં આવી રહ્યું છે. સુરતને ચોખ્ખું કરવા માટે આસિસ્ટન્ટ કમિશનર હેલ્થ આશિષ નાયકે સત્ય ડે સાથે વાત કરી તો માલૂમ પડ્યું કે સુરતમાંથી પાછલા સાત દિવસમાં હજારો ટન કચરાનો રસ્તા પરથી નિકાલ કરવામાં આવ્યો છે.
આશિષ નાયકે સત્ય ડે સાથેની વાતચીતમાં કહ્યું કે સુરત શહેરમાં 1100ની આસપાસ કચરા પેટી હતી અને સુરત ગંધાતું હતું. પાછલા કેટલાક વર્ષોથી સુરતને કચરા પેટી મૂક્ત કરવાની વિચારણા ચાલી રહી હતી અને સુરત મહાનગર પાલિકાએ હવે તેનું અમલીકરણ કર્યું છે.
તેમણે કહ્યું કે સુરતમાં જાહેર રસ્તાઓ અને શોપીંગ સેન્ટરો પર કચરાની વધેલી ફરીયાદોના નિકાલ માટે મહાનગર પાલિકા દ્વારા ઓપરેશન ક્લિન સુરત ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને કચરાને ગમે ત્યાં નહીં ફેંકવા માટે સમજાવવા સહિત જાગૃત કરવામાં આવી રહ્યા છે. 1030 જેટલી કચરા પેટી હટાવી લેવામાં આવ્યા બાદ 60થી 70 સ્પોટ પર લોકો કચરો નાંખીને જતાં રહેતા હોવાની ફરીયાદ આવી રહી છે. અગાઉ ત્યાં કચરા પેટી હતી એટલે કચરા પેટીની જગ્યા પર જ લોકો કચરો નાંખી રહ્યા છે તેવી ફરીયાદોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને લોકોને કચરો નહીં ફેંકવા બાબતે સખત સૂચના આપવામાં આવી રહી છે. જો લોકો કચરો ફેંકવાનું બંધ નહીં કરે તો તેમની વિરુદ્વ દંડાનાત્મક કાર્યવાહી પણ કરી શકાય છે.
આશિષ નાયકે વધુમાં કહ્યું કે જ્યાં કચરા નિકાલની વ્યવસ્થા ઓછી જણાતી હતી ત્યાં ડોર ટૂ ડોર ગાર્બેજની ગાડીઓમાં વધારો કરવામાં આવ્યો છે. બપોર અને સાંજની પાળીમાં કચરાની ગાડીઓને દોડાવવામાં આવી રહી છે. રેસિડેન્સ અને કર્મશિયલ વિસ્તારોને આઈડેન્ટીફાઈ કરીને તે પ્રમાણે કચરાની ગાડીઓનું અલોટમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન આ ફરીયાદોનો સંપૂર્ણપણે નિકાલ કરવાની તેમણે ખાતરી આપી હતી.
ભાજપની કચરા નીતિ સામે સુરત કોંગ્રેસની વામણી નીતિ પુરવાર થઈ રહી છે. ગલી, મહોલ્લા,શેરી, ફળીયા અને જાહેર રસ્તા પર હકડેઠઠ કચરો જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓના મોઢે લોખંડી તાળા લાગેલા જોવા મળી રહ્યા છે.