ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પડઘમ અત્યારથી જ શરુ થયા છે અને સુરત એનું એપિ સેન્ટર બની ગયું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીમા મહેશ સવાણીની એન્ટ્રી બાદ ભાજપે પાટીદાર સમાજ પરની પકડને વધુ મજબૂત કરવાનું શરુ કરી દીધું છે અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાની ઘર વાપસી થઈ રહી છે.
મૂળભૂત રીતે ધીરુ ગજેરા ભાજપના નેતા હતા અને ધારાસભ્ય તરીકે રહ્યા હતા. બાદમાં ટીકીટ નહીં મળવાના કારણે તેમણે ભાજપને છોડી દીધો હતો અને કોંગ્રેસમાં જતા રહ્યા હતા. કોંગ્રેસમાં આવ્યા બાદ તેઓ ત્રણ વખત વિધાનસભા લડ્યા અને એક વખત લોકસભા લડ્યા હતા અને આ બધી ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. હવે 2022ની ચૂંટણી પહેલાં ધીરુ ગજેરા ભાજપમાં ઘર વાપસી કરી રહ્યા છે. આ સમયે પ્રશ્ન થાય છે કે ધીરુ ગજેરા ભાજપ માટે કેટલા ફાયદાકાર સાબિત થશે.
ભાજપને ધીરુ ગજેરાની જરુર છે તેના કરતાં ધીરુ ગજેરાને ભાજપની જરુર વધારે છે. જાહેર જીવનમાં ધીરુ ગજેરા સદંતર હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને ભાજપમાં એન્ટ્રી થયેથી તેઓ ફરી લાઈમ લાઈટમાં આવશે. નો ડાઉચ, તેમની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહી છે, છતાં પણ જાહેર જીવનની દ્રષ્ટિએ કોંગ્રેસમાં તેમની સ્થિતિ સારી બની ન હતી.
વરાછા વિધાનસભાના સમીકરણ જોઈએ તો અહીંયા ગુજરાતનાં સૌથી વધુ પાટીદાર મતદારો છે. સીધી રીતે કહીએ તો પાટીદાર મતદારોની સંખ્યા રાજ્યની અન્ય બેઠકો કરતાં વરાછા વિધાનસભામાં સૌથી વધુ પાટીદાર મતદારો નોંધાયેલા છે અને એટલા વાસ્તે જ વરાછા વિધાનસભા માટે અત્યારથી જ બાજીઓ ગોઠવાઈ રહી છે.
આપમાં મહેશ સવાણીની એન્ટ્રી, ભાજપમાંથી કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં જઈ રહેલા ધીરુ ગજેરા આમ બન્ને પાટીદારો ખરા પરંતુ અમરેલી અને ભાવનગરીયા પટેલો વચ્ચેની વાડાબંધી ફરી સક્રીય થાય તો નવાઈ પામવા જેવું રહેશે.
રાજકીય રીતે મૂલવીએ તો કોંગ્રેસ પાછલા 25 વર્ષમાં વરાછામાં કશું ઉકાળી શકી નથી. પાટીદાર અનામત આંદોલન સમિતિના કારણે ગઈ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની લોટરી લાગી હતી પણ આ વખતે આપે કોંગ્રેસના મોંમાંથી કોળીયું છિનવી લીધું છે. પાટીદાર મતદારોમાં પેંઢ બનાવવા માંગતી કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો કડવો અનુભવ થયો છે. આ બધામાં આપ અને ભાજપ બન્ને મુખ્ય હરીફ તરીકે ઉભરશે અને કોંગ્રેસ ચિત્રમાં ક્યાંય જોવા મળશે નહીં.
જાણકારો કહી રહ્યા છે કે ભાજપ ધીરુ ગજેરાને ટીકીટ આપશે કે કેમ તે અંગે ભાજપ દ્વારા કોઈ પણ પ્રોમીસ આપવામાં આવ્યું નથી. વરાછા વિધાનસભામાંથી હાલના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ફરી રિપીટ થશે કે કેમ,આ બધી વાતો અત્યારે કરવી ઉતાવળે લેખાશે. પણ એક વાત ચોક્કસ છે કે ધીરુ ગજેરાની ભાજપ એન્ટ્રીથી કોંગ્રેસ જરુર ફટકો પડશે પણ સામે પક્ષે કોંગ્રેસે પણ નવા યુવાનોની ફોજ તૈયાર કરી છે અને તે જોતાં પપ્પન તોગડીયા પાટીદાર સમાજનાં કોંગ્રેસમાં એક માત્ર નેતા તરીકે ઉભરી શકે છે.
ભાજપ પોતાનું ધર વધુ મજબૂત કરી રહ્યું છે, કોંગ્રેસ ઘરને સરખું પણ કરી શકી રહી નથી અને આમ આદમી પાર્ટી નવા ધરના નિર્માણમાં મચી પડી છે. જોઈએ હવે કોને કેટલો ફાયદો થાય છે અને કોને કેટલું નુકશાન થાય છે.