વડાપ્રધાન મોદી 30 મી બુધવારે સુરત એરપોર્ટ ટર્મિનલ ભવનના વિસ્તાર માટે ભૂમિ પૂજન તેમજ પાલિકાના 421 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ- 636 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત, વિનસ હોસ્પિટલનું ઉદ્ધઘાટન, ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ તથા દાંડી યાત્રા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અમરોલી ચાર રસ્તાથી માનસરોવર સર્કલ સુધી ફ્લાય ઓવર બ્રિજ, પુણા જંકશન પર ફ્લાય ઓવર બ્રિજ, ઉન ખાડી બ્રિજ વાઈડનીંગ, અઠવાથી અડાજણને જોડતો સરદાર બ્રિજ વાઈડનીંગના લોકાર્પણ કરશે.
આ સાથે સુરત મહાપાલિકા રાજ્યમાં અને સંભવત: દેશમાં એવી પ્રથમ મહાપાલિકા છે જે સોલાર એનર્જીનો ઉપયોગ વોટર સપ્લાય મેનેજમેન્ટમાં કરી રહી છે. તેની ક્ષમતામાં વધારારૂપ વધુ એક મેગાવોટ રૂફટોપ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરશે. ભવિષ્યમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ કુલ ક્ષમતા 6 મેગાવોટ થઈ જશે.
અમરોલી ચાર રસ્તાથી માન સરોવર સર્કલ સુધી ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ થતાં 2 લાખથી વધુ લોકોને રાહત થશે.
– અઠવાથી અડાજણ ને જોડતા સરદાર પટેલ બ્રિજના વાઈડનીંગ પાછળ 40 કરોડનો ખર્ચ થયો છે. આ બ્રિજથી અડાજણ-રાંદેર અને અઠવાના 5 લાખ લોકોને 8 લેન સરદાર બ્રિજથી મોટી રાહત થઈ જશે. સરદાર બ્રિજ ટ્રાફિકથી હંમેશા જામ રહેતો હતો હવે તે દિવસો ભૂતકાળ બની જશે.
– સુરત-બારડોલી રોડના પુણા જંકશન પર ફ્લાય ઓવરબ્રિજનું કામ પણ પૂર્ણ થઈ જતાં તેનુ લોકાર્પણ થશે. ખુબજ મહત્ત્વનો શહેરમાં પ્રવેશ કરતો અને બહાર જતો રોડ હોઈ લોકોને મુખ્ય ટ્રાફિકથી છુટકારો થશે.
– સુરત-નવસારી કોરીડોર ઉપર ઉન ખાડી બ્રિજનું પણ વાઇડનીંગ થઈ જતાં લોકાર્પણ થશે ટ્વીન સિટી નવસારી-સુરતમાં આવન-જાવન માટે દૈનિક 9 લાખથી વધુ વાહનો હેવી વ્હીકલ્સ પસાર થતાં હોય ખુબજ મહત્ત્વના ખાડી બ્રિજ સાકાર થઈ જતાં ટ્રાફિકનું સરળીકરણ થશે.