પાછલા કેટલાક સમયથી સુરતમાં બાળકીઓના અપહરણ અને તેમની સાથે દુષ્કર્મની બની રહેલી ઘટનાઓના અનુસંઘાને લીંબાયત વિસ્તારમાંથી ગૂમ થયેલી બાળકીની શોધમાં પોલીસે આકાશ પાતાળ એક કરતા બાળકી હેમખેમ મળી આવી હતી. પોલીસે રાહતના શ્વાસ લીધા હતા.
વિગતો મુજબ લીંબાયતના મારૂતિ નગરમાંથી શમા નામની બાળકી ગૂમ થઈ હતી. આજે સાંજે પાંચ વાગ્યે બાળકી ગૂમ થઈ હોવા અંગે લીંબાયત પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ કરતાં પોલીસે તાબડતોડ કાર્યવાહી શરૂ કરી હતી. બાળકી સાંજના સમયે ઘરની બહાર રમી રહી હતી.
બાળકીઓ પર થતાં અત્યાચારની ઘટનાઓને પગલે લીંબાયત પોલીસ મથકના પીઆઈ સી.આર, જાદવે અલગ અલગ 10 ટીમ બનાવી હતી. ટીમોને કાર્યરત કરી બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. કુદરતનું કરવું એવું થયું કે રમતા રમતા દુર પહોંચી ગયેલી બાળકી અન્ય બાળકોને મળી આવી હતી.
રત્નજી નગર પાસે રડી રહેલી બાળકીને અન્ય બાળકો પોતાના માતા-પિતા પાસે લઈ આવ્યા હતા. તાત્કાલિક પેટ્રોલીંગ કરી રહેલી પોલીસનો સંપર્ક કરવામાં આવતા બાળકી રાત્રે 8.30 વાગ્યાની આસપાસ પોતાના માતા-પિતાના ખોળામાં રમતી થઈ ગઈ હતી. પોલીસે માત્ર અઢી કલાકના સમયગાળામાં બાળાને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
બાળકી મળી આવતા વાલીઓ અને સગાસંબંધોને લઈ પોલીસ મથકમાં મમતા અને લાગણીના ઘોડાપુર જોવા મળ્યા હતા. પોલીસ મથકમાં માતા-પિતાના મિલનના દ્રશ્યો લાગણીસભર બન્યા હતા.
આ અંગે લીંબાયત પોલીસ મથકના પીઆઈ સી.આર,જાદવના જણાવ્યા પ્રમાણે શમા પરવીન નામની બે વર્ષની બાળા હતી અને ઘરની બહાર રમતી હતી. બાળાના છેલ્લા લોકેશન પ્રમાણે તપાસ શરૂ કરી હતી. રત્નજી નગર આગળથી બાળા મળી આવી હતી. પોલીસે માઈક પર એનાઉસમેન્ટ માટે ગાડીઓ ફેરવી હતી અને પેટ્રોલીગ દરમિયાન બાળા મળી આવી હતી અને માતા-પિતાને સુપરત કરી છે.
લીંબાયત પોલીસે યોગ્ય સમયે યોગ્ય રીતે તપાસ કરતા એક બાળાનું જીવન જ બચાવ્યું નહીં પણ પોલીસને ઈમેજને સમાજમાં પ્રતિષ્ઠા પણ અપાવી છે. માતા-પિતાએ પોલીસનો આભાર માન્યો હતો.