સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસે પાટીદાર યુવાન અશોકભાઈ પટેલ ના ઘરની સામેથી તેમની લક્ઝુરિયસ ફોર્ચ્યુનર એસયુવી કાર સ્વીફ્ટ કારમાં આવેલા ચાર તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જીપીએસના આધારે પોલીસે કારને ટ્રેક કરી તો કાર કલોલમાં તરછોડી દેવાઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે પાટીદાર યુવાન અશોકભાઇ વલ્લભભાઇ પટેલની સત્તાવાર જાહેરાત થઇ છે. તેમના વરાછા હીરાબાગ રોડ રૃદ્રાક્ષ રેસિડેન્સી સ્થિત નિવાસ્થાને એપાર્ટમેન્ટના ગેટ પાસે પાર્કિંગમાં પાર્ક કરેલી લકઝુરીયસ ફોરચ્યુનર કાર (નં. જીજે ૧૮ બીબી ૮૨૮૩) ગત મોડી રાત્રે સ્વીફ્ટ કારમાં આવેલા ૪ તસ્કરો ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી ચોરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ફોર્ચ્યુનરની કિંમત રૃા.૨૭ લાખથી શરૃ થાય છે.
ચોરીની જાણ થયા બાદ સવારે ફરિયાદ નોંધાવાતા વરાછા પોલીસે કારની જીપીએસ સિસ્ટમના આધારે કાર ચોરનારાઓનો પીછો શરૃ કર્યો હતો. તેની જાણ થઇ જતા તસ્કરો કારને કલોલ રૃરલ પોલીસ મથકની હદમાં છત્રાલ જીઆઇડીસીમાં મુકી ફરાર થઇ ગયા હતા. વરાછા પોલીસે ત્યાં પહોંચી કારનો કબજો લીધો છે. અગાઉ પણ આ રીતે વરાછામાંથી કાર ચોરી તસ્કરો અમદાવાદ તરફ ભાગ્યા હતા. વધુ તપાસ પીએસઆઈ ડી જે ચોરડીયા કરી રહ્યા છે.