સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલે વરસાદે વિરામ લીધા બાદ આજે ફરી જિલ્લામાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કામરેજ ઓલપાડ અને ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદની કોઇ પ્રબળ સિસ્ટમ નથી. પરંતુ બંગાળની ખાડી તરફથી મુવ થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આબોહવામાં થયેલા ફેરફારને કારણે અરબ સાગર પર પણ વાદળોનો સમુહ ઘેરાયો છે. જેને પગલે આગામી બે ત્રણ દિવસ સુધી શહેર-જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં આજે સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ કામરેજમાં બે ઇંચ , ઓલપાડમાં બે ઇંચ, ચોર્યાસીમાં દોઢ ઇંચ અને ઉમરપાડામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે લોકોએ અસહ્ય ઉકળાટ અનુભવ્યો હતો.
અસહ્ય બફારા વચ્ચે તાપમાનમાં ઘટાડો
શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી હવામાનમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જતાં અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. આજે પણ વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ 98 ટકા નોંધાયું હતું જે ઘટીને ૮૫ ટકા નોંધાયું હતું. આ સાથે જ શહેરમાં આજે મહત્તમ તાપમાન ઘટીને ૩૧ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.