સુરત શહેરમાં સાપ્તાહિકોની સામે અસંખ્ય ફરીયાદોના પરિણામ સ્વરૂપ જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ ડો.ધવલ પટેલ દ્વારા આકરા પગલા ભરવામાં આવે તેવી માહિતી મળી છે. ખાસ કરીને સુરતમાં સાપ્તાહિકનું ટાઈટલ મેળવી કેટલાક સાપ્તાહિકો દ્વારા બ્લેક મેઈલીંગની ફરીયાદો ખડકલો થતાં કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને આવા પ્રકારના સાપ્તાહિકોની યાદી તૈયાર કરવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું.
સુરતમાં નીકળતા વીકલી પૈકી 50 ટકા વીકલીનું રજિસ્ટ્રેશન રદ્ કરવામાં આવે તેવી માહિતી આધારભૂત રીતે મળી રહી છે. વીકલી ન્યૂઝ પેપરમાં ગેરકાયદે બાંધકામ અને દારુ-જુગારનાં અડ્ડાના ફોટો અને આવી ખબરો સિવાય વધારે કશું જોવા મળતું નથી. આ ઉપરાંત ચાર પાનાના ચોપાનીયા કાઢીને રજિસ્ટ્રાર ન્યૂઝ પેપર ઓફ ઈન્ડીયા(RNI)ના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાથી કલેક્ટર દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવી વિશ્વસનીય માહિતી જાણવા મળી રહી છે.
કલેક્ટર કચેરી દ્વારા નિયમોનો ભંગ કરી ચાલી રહેલા સાપ્તાહિકોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. સાપ્તાહિકોને ડિ-બ્લોકમાં નહી પણ કાયમી ધોરણે તેમનું રજિસ્ટ્રેશન જ રદ્દ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરતમાંથી ઓછામાં ઓછા 300થી 350 જેટલા સાપ્તાહિકો નીકળે છે. આમાંથી કેટલાક સાપ્તાહિકો તો દિવાળી કે વાર-તહેવાર જ પ્રસિદ્વ થતાં હોવાનું કચેરીના ધ્યાને આવ્યું છે. આવી રીતે નીકળતા વીકલી સીધી રીતે RNIના નિયમોનું પાલન કરતા નથી. કલેક્ટને પાવર છે કે જનહિતમાં આવેલી ફરીયાદો અંગે કાર્યવાહી કરે. ઠેર-ઠેર ફૂટી નીકળેલા વીકલી સામે કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી થવાની માહિતી મળી રહી છે.