સુરતના પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક સ્કૂલ ઓટો રીક્ષા પલ્ટી મારતા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચારથી વધુ ઘવાયા હતા. શુક્રવારની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. તમામ બાળકોને રીક્ષા નીચેથી બહાર કાઢી સારવાર માટે 108ની મદદથી સુરત સિવિલ લઈ આવ્યા હતા. રીક્ષા ચાલકે અચાનક આગળની બ્રેક મારતા એડમ પબ્લિક સ્કૂલની રીક્ષા પલટી મારી ગઈ હોવાનું બાળ વિદ્યાર્થીએ જણાવ્યું હતું. ઘવાયેલા અને મોતને ભેટેલા તમામ વિદ્યાર્થીઓ સિનિયર કેજી અને ધોરણ 1 ના હોવાનું જાણવા મળ્યું છે.
સમીર (108, EMT નવજીવન લોકેશન) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે 7:30 વાગ્યાના અરસામાં આવ્યો હતો. એક ઓટો રીક્ષા પિયુષ પોઇન્ટ પાસે પલટી ગઈ છે. સ્કૂલના અનેક બાળકો ઘવાયા હોવાની જાણ બાદ તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાંચ માસૂમ બાળ વિદ્યાર્થો ઘવાયા હતા. તમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં બેસાડી સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં એક બાળકને મૃત જાહેર કરાયું હતું.
રાજુ પ્રજાપતિ (મૃતક બાળકના પિતા) એ કહ્યું હતું કે, કાળનો કોળિયો બનેલો ગૌરવ રાજુ પ્રજાપતિ ઉ.વ. 8 અને તેનો નાનો ભાઈ દિપક ઉ.વ. 7 બન્ને એડમ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગૌરવ ધોરણ એકમાં અભ્યાસ કરતો હતો. અને દિપક સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે.