વિકસતા અને વિસ્તારતા જઈ રહેલા સુરત માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 2019-2020 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ.થેન્નારાસને સહિત અન્ય અધિકારીઓ બેજટ બ્રીફીંગમાં હાજર રહ્યા હતા. 2019-2020ના ડ્રાફ્ટ બજેટનું કદ ગયા વર્ષ એટલે કે 2018-19નાં 5378 કરોડ કરતાં વધી ગયું છે. 2019-2020 માટે સુરત મહાનગરપાલિકાના બજેટના કદનું કદ 5599 કરોડ આંકવામાં આવ્યું છે. આમ 2019-20 માટે 221 કરોડના વધારાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારાસને બજેટ રજૂ કરતાં કહ્યું કે આવનાર વર્ષ માટે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો નથી. પ્રોપર્ટી ટેક્સ સહિતને અન્ય કોઈ પણ વેરામાં સુધારો કે વધારો સૂચવવામાં આવ્યો નથી.
તેમણે કહ્યું કે નવા પ્રોજેક્ટમાં વાઈલ્ડ વેલી અને હેન્ડીકેપ્ટ લોકો માટેના પાર્કની નવી યોજના રજૂ કરવામાં આવી છે. પંદર હજાર કરતાં વધુ મકાનો, તાપી રિવર ફ્રન્ટ, હેરિટેજ ડેવલપમેન્ટ અને સી-ફેસને વિકસિત કરવાની યોજના બનાવવામાં આવી છે. પબ્લીક ટ્રાન્સપોર્ટ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે અને લોકોને ટ્રાન્સપોર્ટેશનની વધુ સુવિધા મળી રહે તેના માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે જેમ કે પંદર દિવસમાં 30 ટ્રીપ કરતાં પેસેન્જરોને ત્યાર બાદ ટીકીટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. 165 કરોડ રૂપિયા પબ્લીક સેફટી પાછળ ખર્ચવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે તાપી શુદ્વિકરણ એ સુરત મહાનગરપાલિકા હસ્તક આવતું નથી. સુરત મહાનગરપાલિકા પાસે નદીમાં ડ્રેનેજનું પાણીને સીધું જતું અટકાવાવની જવાબદારી છે જ્યારે નદીનું શુદ્વિકરણ અને તેના ડિસિસ્ટીંગની જવાબદારી સિંચાઈ વિભાગ અને રાજ્ય સરકારની રહેલી છે. તાપીના શુદ્વિકરણ અંગે પ્રભારી મંત્રી સાથે ચર્ચા થઈ હતી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર હેઠળ આવરી લેવાયેલી સ્કીમ છે. હાલ 620 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે અને દર વર્ષે સ્માર્ટ સિટીમાં 200 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. આ સિવાય કેપિટલ પ્રોજેક્ટ માટેની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે અને તે પ્રમાણે કેપિટલ પ્રોજેક્ટના કામો હાથ પર લેવામાં આવે છે.