હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન ગુજરાત અને સાઉથ ગુજરાત હોટેલ્સ(Hotels) એન્ડ રેસ્ટોરેન્ટ્સ એસોસિએશનને મુખ્યમંત્રી વિજય રૂપાણીને અનલોક-2માં રાત્રિના 12થી સવારે 5 કરફ્યૂ રાખી રેસ્ટોરન્ટ્સને રાત્રિના 11 વાગ્યા સુધી કાર્યરત રાખવા માટે માંગણી કરી છે. જો હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં ડિનરનો સમય રાત્રિના 11 વાગ્યા સુધી કરવામાં નહીં આવે તો સુરત, અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યની 30થી 40 ટકા રેસ્ટોરન્ટ કાયમ માટે બંધ થઇ જશે અને હજારો લોકો બેરોજગાર થશે એમ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી અને ચેરમેન ટી.કે.ટેકવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે. જણાવી દઈએ કે સુરતમાં 350 જેટલી રેસ્ટોરન્ટ્સ છે તેમાંથી ગણતરીની રેસ્ટોરન્ટ્સ જ કાર્યરત થઈ શકી છે.
લોકડાઉન બાદ અનલોક-1માં(Unlock) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કેટલીક શરતો સાથે વેપાર-ઉદ્યોગ શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. હોટેલ-રેસ્ટોરન્ટ માટે પણ કેટલાક કાયદાઓની જોગવાઇ રાખી શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. જો કે, કેટલીક શરતો એવી છે જેના લીધે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં માહોલ જામતો નથી અને નુકસાન કરવાનો વારો આવ્યો છે. સાઉથ ગુજરાત હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશનના(South Gujarat Hotels and Restaurants Association) સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે, અનલોક-1માં હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સને કાર્યરત કરવાની પરવાનગી મળી તો ગઈ છે, પરંતુ સ્ટાફના અભાવની સાથોસાથ કરફ્યૂના ટાઈમિંગને લઈને પણ રેસ્ટોરન્ટ્સનો વેપાર ઘટી ગયો છે. આવા સંજોગોમાં મોટા ભાગના હોટેલ અને રેસ્ટોરન્ટ આર્થિક રીતે નુકસાન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકોની સમસ્યા ખૂબ વધી છે. જેને ધ્યાને લઈ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન-ગુજરાતની સાથે સાથે અમે મુખ્યમંત્રી રૂપાણીને અનલોક-2માં રેસ્ટોરન્ટ્સ ખોલવા માટે સમયમર્યાદા વધારવા માંગ કરી છે.