દક્ષિણ ગુજરાતની સૌથી મોટી મિલ્ક સપ્લાયર ડેરી સુમુલ ડેરીએ ફેટ દુધના ભાવમાં પ્રતિ કિલો 10 રૂપિયાનો ઘટાડો કરતાં પશુપાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. અત્યાર સુધી દુધના ફેટ માટે જે રૂપિયા ચૂકવવામાં આવતા હતા તેમાં ઘટાડો થવાના કારણે પશુપાલકોને મહિને કરોડો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
ખેડુત આગેવાન જયેશ પટેલ જણાવ્યું કે સુમુલ ડેરીએ ઘટાડો કરતાં પશુપાલકોની સ્થિતિ કફોડી થઈ જશે. દુધના ફેટના ઘટાડાના કારણે પશુપાલકોને મળતા વળતરમાં સીધો રોજનો 10થી 12 લાખ રૂપિયાનો ફટકો પડી શકે તેમ છે. આવનાર દિવસોમાં સુમુલના બોર્ડને રજૂઆત કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
વિગતો મુજબ સુમુલ ડેરીએ ભેંસના દુધનો એક કિલો ફેટનો ભાવ 625થી ઘટાડીને 615 રૂપિયા કર્યા છે અને જ્યારે ગાયના ફેટ દુધનો ભાવ 580થી ઘટાડીને 570 કરી દેવામાં આવ્યો છે. ઘટાડો કરવા પાછળ સુમુલ ડેરીએ એવું કારણ આપ્યું છે કે દુધની આવક વધી જતાં ડેરીમાં દુધનો વધારો જથ્થો આવી રહ્યો છે. બીજી તરફ દુધની માંગ ઘટી રહી હોવાના કારણે સુમુલે ઘટાડો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે અગાઉ પણ સુમુલ ડેરીએ ફેટ દુધના ભાવમાં તોતીંગ ઘટાડો કરીને પશુપાલકોને રાતાપાણીએ રડાવ્યા હતા. અગાઉ સુમુલે ફેટ દુધના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. હાલમાં જે 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેના કારણે મહિને ઓછામાં ઓછો ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનો ફટકો પશુપાલકોને પડવાનો છે. હવે પશુપાલકો આંદોલનની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.