સુરત નજીકના કઠોર ગામનો યુવક મિત્રના દીકરાની બાબરીમાં જતી વખતે 100ની ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે પોતાની સ્પોર્ટસ મોટર સાયકલ હંકારી પીપળાના ઝાડ સાથે અથડાવી દીધી હતી. ગમખ્વાર રીતે સર્જાયેલા અકસ્માતમાં બાઈકના ફુરચે ફૂરચા ઉડી ગયા હતાં. સાથે ચાલકને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. યુવાનો સ્પીડ વાળી સ્પોર્ટ બાઈક પુર ઝડપભેર હંકારીને અકસ્માતે મોતનો કોળિયો બનતા આવ્યા હોવા જેવી ઘટના મંગળવારની ઓલપાડ તાલુકાના ખલીપોર ગામે બની હતી. કામરેજ તાલુકાના કઠોર ગામે પટેલ ટેકરા પાસે નદી કિનારે રહેતો અલ્તાફ અજીત શેખ (ઉ.વ.આ.21)એ આંબોલી ખાતે મરઘીની દુકાન પર કામ કરતો હોય તેના મિત્રની KTM મોટર સાયકલ નંબર (GJ-19 AP-0227) લઈને સીથાણ ગામે રહેતા મિત્રના છોકરાની બાબરીમાં જતી વખતે સાયણ થઈને ખલીપોર ગામ બસ સ્ટેન્ડ પાસેથી આશરે દસેક વાગ્યાના સુમારે પ્રસાર થતી વખતે પોતાના કબ્જાની KTM મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રોડની બાજુમાં આવેલ પીપળાના ઝાડ સાથે અથડાવી હતી. બાઈક એટલી વધુ સ્પીડમાં હશે કે પીપળાના ઝાડમાં અથડાતા થડમાં ઊંડો ખાડો થવા સાથે બાઈક સાથે ચાલક યુવાન 15 જેટલો દુર ફેંકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થયેલી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
