યુવાન હૈયાઓના મનગમતા વેલેનટાઇન્સ ડે આડે ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે યુવાન હૈયામાં પ્રિય પાત્ર સમક્ષ પ્રેમ વ્યક્ત કરવા માટે આતૂર બન્યા છે. તો બીજી તરફ કેટલાક સંગઠનો આ ડેના વિરોધ કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આવા વાતાવરણમાં સુરતમાં એક શપથ સમારોહ થવા જઇ રહ્યો છે. જેમાં હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ માતા પિતાની મંજૂરી વગર પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ ગ્રહણ કરશે. પોતાની રિલેશનશિપને ખતમ કરવી પડે તો પણ કરશે.
હાસ્યમેવ જયતે નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતા લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ આ ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું છે. જેમાં સ્કૂલો અને કોલેજના છોકરા તથા છોકરીઓ શપથ લેશે કે જો તેમના માતા-પિતાને લવ મેરેજ સામે વાંધો હોય તો તેઓ પ્રેમી સાથે લગ્ન નહીં કરે.
મસાલાવાળાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં સમયમાં યુવાનો પ્રેમમાં પડીને આવેગમાં લગ્નનો નિર્ણય લઇ લે છે. કેટલાક તો ઘરેથી ભાગીને લગ્ન કરે છે, પરંતુ આવા રિલેશન લાંબો સમય ટકતા નથી. અમે ઇચ્છીએ છીએ કે જીવનમાં જ્યારે લગ્નનો નિર્ણય લેવાની વાત આવે ત્યારે બાળકો તેમના માતા-પિતાની સલાહ લે.