સુરતમાં સતત વધતાં જતા કોરોના સંક્રમણને પગલે સુરત મ્યુનિ.એ બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન રહેવા માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. સુરતમાં હજારો લોકો સુરત બહારથી લોકો નોકરી ધંધા માટે આવે છે આવા લોકો માટે પાલિકાના આ જાહેરનામાનું પાલન કેવી રીતે કરવું તે એક પ્રશ્ન બની રહેશે. સુરત મ્યુનિ. તંત્રએ આજે એક જાહેરનામું બહાર પાડયું છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે સુરત બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. બહારથી જે લોકો આવે છે તે લોકોના ઘરમા અન્ય લોકોને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે.આ દરમિયાન જો કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ નિયમનું પાલન ન કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવાની પણ ચીમકી આપી છે. સુરત મ્યુનિ. કોવિડ સંક્રમણ અટકાવવા માટે જાત જાતના નિયમો જાહેર કરી રહી છે પરંતુ આ નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ બનાવ્યા હોય તેવું વર્તન થાય છે. સુરતના ચૌટા બજાર, ટેક્ષટાઈલ માર્કેટ સહિત અનેક સંસ્થાઓમાં સુરત બહારથી હજારો લોકો રોજ રોજીરોટી માટે આવે છે.
ચૌટા બજાર અને ટેક્ષટાઈલ માકેટ, ઝાંપા બજાર, કમાલ ગલી, ભાગાતળાવ, કાદરશાની નાળ જેવા વિસ્તારોમાં લોકો માસ્ક વિના જ ફરી રહ્યાં છે. પરંતુ મ્યુનિ. તંત્ર આ વિસ્તારમાં દંડ કરતાં ગભરાઈ છે પરંતુ જે વિસ્તારમાં લોકો પ્રતિકાર કરતાં નથી તે વિસ્તારમાં માસ્ક વિનાના લોકો પાસે એક એક હજાર રૃપિયાનો દંડ વસુલ કરી રહી છે. સુરતમાં સંખ્યાબંધ લોકો રોજ બહારગામથી રોજીરોટી માટે આવતા હોય તેવા લોકોને સાત દિવસના હોમ કોરોન્ટાઈનનો નિયમનો અમલ કેવી રીતે થશે? માત્ર જે લોકો સુરતમાં રહેતાં હોય તેવા લોકો પાસે જ આ પ્રકારના નિયમનું પાલન કરાવવા માટે મ્યુનિ. તંત્ર કવાયત કરી રહ્યું છે. સુરતમાં કોવિડના નિયમોના પાલન માત્ર સામાન્ય માણસો પાસે જ કરાવવામાં આવતું હોવાથી મ્યુનિ.ના નિયમો સામે લોકો આક્રમક બનીને વિરોધ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરત સિટીમાં કોરોના વિસ્ફોટ થતા નવા 263 અને ગ્રામ્યમાં 29 મળી કુલ 292 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 171 અને ગ્રામ્યમાં 29 મળી 200 દર્દીઓને રજા મળી છે. સિટીમાં નવા 263 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 82, રાંદેરમાં 38, કતારગામમાં 37 તથા સેન્ટ્રલ અને વરાછા-એેમાં 27-27 કેસ છે.