મોટા વરાછા પાસે તાપી નદીમાં ત્રણ વ્યક્તિ ભરેલી કાર અચાનક નદીમાં ખાબકી હતી. લોકોએ કાર નદીમાં પડતાં જોઈ એટલે સમયસર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રીગેડનો સ્ટાફ પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને નદીમાં પડેલી કારને બહાર કાઢી કારમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢયા હતા. બચાવાયેલી ત્રણેય વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવા માટેની ફરજ પડી હતી. જોકે, તેમના હોસ્પિટલમાં મોત નિપજ્યા.
ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું હતું કે, મોટા વરાછા નજીક તાપી નદીની સમાંતર રસ્તો જઈ રહ્યો છે ત્યાં એકાએક કાર નદીમાં ખાબકી હતી. કાર ચલાવનારનો સ્ટિયરિંગ પર કાબૂ રહ્યો ન હતો. રસ્તા પરથી ફંટાઈને કાર સીધી નદીના પાણીમાં ગઈ હતી. આખી ઘટના રસ્તા ઉપરથી પસાર થતા લોકોએ જોઈ હતી. એટલે, તાબડતોબ ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. કેટલાક લોકોએ કારમાં બેઠેલા લોકોને ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ બહાર કાઢવા માટેની જહેમત કરી હતી. ત્રણ વ્યકિતને ખાનગી વાહનમાં લઈ જઇને વરાછા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જોકે, તેમને મૃત જાહેર કર્યા હતા. ફાયરબ્રિગેડનો સ્ટાફ પહોંચી ગયો હતો. તેમણે નદીના પાણીમાં ગરકી ગયેલી કારને બહાર કરવા માટેની કવાયત શરૂ કરી હતી.