સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી હતી. કોરોનાકાળમાં શિક્ષકોને અનેક જવાબદારીઓ સોંપાયા બાદ નવી જવાબદારી સ્મશાનમાં ફરજ બજાવવાની સોંપાઈ હતી. જો કે વિરોધ થતાં તે જવાબદારી પરત ખેંચવામાં આવી હતી. શિક્ષકોની જગ્યાએ વર્ગ-3ના ક્લાર્કને જવાબદારી સોંપવામાં આવી છે.કોરોનાકાળ દરમિયાન કોર્પોરેશનના તમામ કર્મચારીઓને અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં શિક્ષકોને કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર રાખવામાં આવતા હતા. ધનવંરી રથ સાથે જવાનું, સર્વેની કામગીરી, અનાજ વિતરણની અનેક કામગીરી કરવાના આદેશ થયા હતા, જે ફરજના ભાગરૂપે શિક્ષકોએ નિભાવી હતી અને શહેર પર આવી પડેલી મુશ્કેલીમાં પોતાની રીતે ફરજ અદા કરવા માટે તત્પરતા દાખવી હતી. ત્યારે સ્મશાનની કામગીરી સોંપાતાં શિક્ષકો અવઢવમાં મુકાયા હતા.જો કે પાલિકાએ અંતે નિર્ણય બદલીને વર્ગ-3ના ક્લાર્કને જવાબદારી સોંપી હતી. કોર્પોરેશનના શિક્ષકે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે સ્મશાનમાં મૃતદેહની નોંધણી કરવાની કામગીરી શિક્ષકો માટે યોગ્ય નથી.
અમે અમારા શિક્ષક સંઘમાં ગઈકાલે રાત્રે જ આ બાબતે રજૂઆત કરી છે. અમને આ કામગીરી અંગે સોશિયલ મીડિયા થકી જ મેસેજ આપવામાં આવ્યા હતા. સંઘના અમારા હોદ્દેદારોને આ ઓર્ડર રદ કરવા માટે જાણ કરી છે. સંઘના હોદ્દેદારોએ આ કામગીરી શિક્ષકોને સોંપવા બદલ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારને જાણ કરવાની બાંયધરી પણ આપી હતી. જેના ભાગ રૂપે અંતે નિર્ણય બદલાયો હતો. સુરતથી કોરોનામાં મૃત્યુ થયેલા મૃતકોને અંતિમક્રિયા માટે મોકલવામાં આવ્યા બાદ, બારડોલી સ્મશાનમાં બોડીને શબવાહિનીમાંથી ઉતારવાથી લઈ, સગડીમાં મુકવા સુધીની તમામ કામગીરી બારડોલી પાલિકાના નગરસેવક અને એક્તાગ્રુપના સભ્ય આરીફ પટેલ તથા બીજા સભ્યો મદદ કરી રહ્યા છે. સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.બારડોલીના સ્મશાનમાં 3 ગેસ સગડી કોરોના મૃતક માટે ઉપયોગમાં લેવામાં આવશે. સુરતથી આવતા મૃતકોને સ્મશાનમાં અંતિમક્રિયા માટે બારડોલીની સેવાભાવી સંસ્થા અને પાલિકાના કર્મચારી સહિત મદદગારીમાં હાજર રહેશે. બારડોલી અંતિમ ઉડાનમાં આ વિસ્તારના આજુબાજુના 40 ગામોમાંથી મૃતકોની અંતિમક્રિયા માટે લાવવામાં આવે છે. હાલ રોજના 10ની એવરેજ હોવાથી, સુરતથી રોજના 5 મૃતકની અંતિમક્રિયાનો સહકાર આપવા ટ્રસ્ટે નક્કી કર્યું છે. જેથી કરી સ્થાનિકોને અગવડતા નહિ પડે. – ભરતભાઇ શાહ, સ્મશાનના સંચાલક