એક તરફ, લગ્ન સિઝન ચાલી રહી છે તો બીજી તરફ ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષા પણ નજીક આવી રહી છે. ત્યારે લગ્ન સિઝન દરમિયાન બેન્ડ બાજા અને ડીજે જોવા મળે છે. આ ડીજે રાતે વગાડવામાં આવતા હોવાથી તેનાથી અવાજ પ્રદુષણ ફેલાતુ હોય છે. અવાજ પ્રદુષણ સહિત અનેક એવા મુદ્દાઓ છે કે જેને લઈને સુરત પોલીસ કમિશનરે નવો પરિપત્ર બહાર પાડ્યો છે.
શહેર પોલીસ કમિશનર સતીષ શર્માએ એક પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ સ્ટેશનને આ મામલે ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યો છે. પરિપત્ર મુજબ, હવે શહેરમાં રાતે 10 વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાતે 10 વાગ્યા બાદ જો કોઈ વ્યક્તિ ડીજે વગાડશે તો તેના પર પોલીસ કાર્યવાહી થશે. પોલીસ સમગ્ર સાઉન્ડ સિસ્ટમ કબજે કરશે. એટલું જ નહીં સિસ્ટમ તો કબજે થશે પણ સાથો સાથ ફરિયાદ પણ દાખલ થશે. જે બાદ હવે સુરત પોલીસ પણ અલર્ટ થઈ છે અને રાતે 10 વાગ્યા બાદ જે લોકો ડીજે વગાડશે તેમના પર કાર્યવાહી હાથ ધરશે.