અમરોલી પોલીસના જાપ્તા વચ્ચે કોરોનાગ્રસ્ત આરોપી ગઈકાલે રાત્રે ચાલુ એબ્યુલન્સમાંથી કુદી પડતાં આજે સવારે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતું. વાહન ચોરીના આરોપમાં ઝડપાયેલા ઈસમની ધરપકડ બાદ તેનો રિપોર્ટ કઢાવવામાં આવતાં આરોપી કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. જેને પગલે ગત રાત્રે તેને પોલીસ બંદોબસ્ત વચ્ચે 108 એમ્બુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમ્યાન નાસી છૂટવાનો પ્રયાસ કરતાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને આજે સવાર દરમ્યાન મોત નીપજયું હતું.
મોટા વરાછા ખાતે સનરાઈઝ કોમ્પલેક્ષ પાસે રહેતા 24 વર્ષીય દિવાન નાથુભાઈ ભાંભોરને વાહન ચોરીના આરોપસર પોલીસે ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરતાં પહેલા પોલીસ દ્વારા દિવાન ભાંભોરનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવતાં તે પોઝિટિવ નીકળ્યો હતો.જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.પોલીસ દ્વારા ગત રાત્રે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો.