આજે વહેલી સવારે કતારગામ નંદુડોશીની વાડી ખાતે આવેલા કિરણ જેમ્સના જ્વેલરી યુનિટ કિરણ જ્વેલરના બોઇલર રૂમની પાછળની ગ્રીલ અને બારીનો કાચ તોડી ચોર રૂ.૧.૧૮ કરોડનું ગાળેલું સોનું ચોરી ફરાર થઈ ગયો.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કતારગામની નંદુ ડોશીની વાડી ખાતે જાણીતી હીરા પેઢી કિરણ જેમ્સનું જ્વેલરી યુનિટ કિરણ જ્વેલર ડાયમંડ મેન્સનમાં આવેલું છે. આજે મળસ્કે બે વાગ્યાથી પાંચ વાગ્યાના સમયગાળામાં કોઈ ચોર બોઇલર રૂમની પાછળના ભાગે આવેલી ગ્રીલ તોડી અને બારીનો કાચ તોડી અંદર પ્રવેશ્યો હતો અને દાગીના બનાવવા માટે ગાળવામાં આવેલું રૂ.૧.૧૮ કરોડનુ સોનુ લઈ ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે જાણ થતા સંચાલકોએ કતારગામ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.