સુરત(Surat) શહેરમાં સતત વધી રહેલા કેસને પગલે મનપા(SMC) કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને માસ્ક(Mask) પહેરવા અપીલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ખાસ કરીને શહેરના જે વિસ્તારો ક્લસ્ટર(cluster) જાહેર કરાયા છે ત્યાં લોકો માસ્ક પહેરવાનું 100 ટકા પાલન કરે એ ખૂબ જરૂરી છે. માસ્ક જ હાલમાં કોરોનાને હરાવવા માટેનું અસ્ત્ર, શસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર જે ગણો તે છે. તેથી લોકો જો 100 ટકા માસ્ક પહેરવાનું રાખશે તો ચોક્કસ કોરોનાને હરાવવામાં સુરતને સફળતા મળશે. તેથી દરેક કમ્યુનિટી માસ્કનું પ્રચલન વધારે અને દરેક સજાગ વ્યક્તિ અન્ય લોકોને પણ માસ્ક પહેરવા માટે અનુરોધ કરશે તો કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળતા મળશે તેવી હાકલ મનપા(SMC) કમિશનરે કરી હતી.
શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ડોક્ટરો, નર્સમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. નવી સિવિલ, સ્મીમેર, તેમજ પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટરો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. સોમવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સેન્ટ્રલ ઝોનના ટેન્ડર ટચ હોસ્પિટલની નર્સ, સુરત જનરલ હોસ્પિટલની આયા, રાંદેર ઝોનમાં બાપ્સ હોસ્પિટલના ડોક્ટરને પોઝિટિવ આવ્યો હતો. હાલમાં જ્યારે લોકો પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર લઈ શકે છે અને પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેના પગલે તંત્રની ચિંતા વધી રહી છે.