ધોરણ.10 માં સરકારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકો હજુ પણ પ્રવેશના મુદ્દે મૂંઝવણમાં છે. સુરતમાં ધોરણ 11 ની સાયન્સ અને સામાન્ય પ્રવાહની 600 જેટલી સ્કૂલોમાંથી 220 સ્કૂલોએ 26 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ ફાઈનલ કર્યા હોવાનું સ્કૂલ સંચાલક મંડળના અધ્યક્ષ દિનકર નાયક અને સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ સવજી હૂડેએ જણાવ્યું હતુ. દરેક સ્કૂલે તેમના વર્ગની ક્ષમતા છે તેનાં કરતા વધુ પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હજુ પણ 53 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશની કામગીરી બાકી છે જેમાં આઈટીઆઈ અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. શહેરની સંખ્યાબંધ સ્કૂલો એવી પણ છે જેમણે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરી છે પણ રાજય સરકારની પ્રવેશ અંગે કોઈ ચોક્કસ ગાઈડલાઈન્સ આવે તે પછી પ્રવેશ ફાઈનલ કરશે તેવું વાલીઓને કહ્યું હોવાનું જાણવા મળ્યું છે. સરકારી સ્કૂલોએ હજુ સુધી પ્રવેશ માટેની કોઈ પણ કાર્યવાહી શરૂ કરી નથી. જયાં સુધી રાજય સરકાર આ અંગે ગાઈડલાઈન્સ જારી નહીં કરે ત્યાં સુધી સરકારી સ્કૂલો પ્રવેશ નહીં આપે તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓનું કહેવું છે. જે સ્કૂલોએ પ્રવેશ આપી દીધો છે તેમણે ધોરણ.10 ની વિદ્યાર્થીઓએ આપેલી પ્રથમ અને બીજી કસોટીના પરિણામના આધારે આપ્યો હોવાનું સંચાલકોનું કહેવું છે. ગ્રાન્ટેડ શાળાના ઉપપ્રમુખ ડો. કેતન પટેલના જણાવ્યા અનુસાર ખાનગી શાળાઓએ પ્રવેશ શરૂ કર્યા છે. ગ્રાન્ડેડ શાળાઓએ પણ ફોર્મ આપવાની કાર્યવાહી શરૂ કરી છે. સોમવાર સુધીમાં ધોરણ-10ના માસ પ્રમોશનના રિઝલ્ટની ગાઇડલાઇન નહીં આવશે તો અમે સોમવારથી પ્રવેશ આપી દેશું. સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડો. દિપક રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, સરકારને રજૂઆત કરી છે કે, વર્ગ વધારો આપવો જોઇએ. નાની શાળાઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. જેથી તેઓ પોતાનો નિભાવ ખર્ચ કાઢી શકે.
